મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવી એ પંચ માટે મોટો પડકાર છે : માયાવતી

  • પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે જીતીશું: નડ્ડા

નવીદિલ્હી,દેશના પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીની જાહેરાત ચુંટણી પંચ દ્વારા આજે કરવામાં આવી છે આ જાહેરાત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ તમામ રાજ્યોમાં પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે અને ૫ વર્ષ સુધી લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સંકલ્પ સાથે કામ કરશે.

દરમિયાન કોંગ્રેસે દાવો કર્યો છે કે તમામ પાંચ રાજ્યો – છત્તીસગઢ, મધ્યપ્રદેશ , રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ – જનતાના વિશ્ર્વાસ અને સમર્થનના આધારે પાર્ટી જંગી બહુમતી સાથે જીતશે. પાર્ટીએ એમ પણ કહ્યું કે આ જીત ખેડૂતો, મજૂરો, યુવાનો અને મહિલાઓના અધિકારોની જીત હશે.

બીએસપી સુપ્રીમો માયાવતીએ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાતનું સ્વાગત કર્યું છે પરંતુ એમ પણ કહ્યું છે કે મની પાવર અને સરકારી મશીનરીનો દુરુપયોગ અટકાવીને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની કમિશનની મોટી જવાબદારી છે. તેમણે કહ્યું કે બીએસપીએ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સ્થાનિક પક્ષો સાથે કરાર કરીને ચૂંટણી લડી છે, જ્યારે રાજસ્થાન અને તેલંગાણામાં તે એકલા હાથે ચૂંટણી લડશે.તેમણે સોશિયલ મીડિયા સાઇટ પર કહ્યું કે તે નિષ્પક્ષતા સુનિશ્ર્ચિત કરવા માટે છે જેના પર લોકશાહીનું ભવિષ્ય નિર્ભર છે.

તેમણે વધુમાં કહ્યું કે, ચૂંટણીને ખોટી દિશામાં પ્રભાવિત કરવા માટે ખાસ કરીને શાસક પક્ષ દ્વારા કરવામાં આવતા લલચાવનારા વચનો અને હવાદાર જાહેરાતો વગેરે પર અંકુશ લગાવવો જરૂરી છે, જેના માટે સુપ્રીમ કોર્ટે પણ નોટિસ પાઠવી છે. જાતિવાદ અને કોમવાદના ઉન્માદ અને હિંસા સામે કડક કાર્યવાહી જરૂરી છે.