મુખ્તાર અંસારીના દીકરાને ’સુપ્રીમ’ રાહત, આચાર સંહિતા ઉલ્લંઘન મામલે ધરપકડ પર લગાવી રોક

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે બાહુબલી મુખ્તાર અંસારીના દીકરા ઉમર અંસારીને ધરપકડથી રાહત આપી દીધી છે. ઉમર અંસારી પર વર્ષ ૨૦૨૨માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી આચાર સંહિતાના કથિત ઉલ્લંઘનના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ ૠષિકેશ રોય અને જસ્ટિસ પીકે મિશ્રાની પીઠે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ જારી કરી છે.

ઉમર અંસારી તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં હાજર થયા હતા. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું કે ચૂંટણી આચાર સંહિતા ઉલ્લંઘન મામલે મુખ્ય આરોપીને સતત જામીન મળી રહ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે ગત વર્ષે ડિસેમ્બરમાં ઉમર અંસારીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે તથ્યો અને પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એવું લાગે છે કે ગુનો આચરવામાં આવ્યો છે. જોકે, હવે હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખતા સુપ્રીમ કોર્ટે મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારીની ધરપકડ પર રોક લગાવી દીધી છે.

૪ માર્ચ ૨૦૨૨ના રોજ પોલીસે મુખ્તાર અંસારીના બે પુત્રો અબ્બાસ અંસારી અને ઉમર અંસારી સહિત ૧૫૦ અજાણ્યા લોકો વિરુદ્ધ મઉ જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધી હતી. આરોપ છે કે ૩ માર્ચ ૨૦૨૨ના રોજ અબ્બાસ અંસારી, ઉમર અંસારી અને મંસૂર અહેમદ અંસારીએ પહાડપુરા ગ્રાઉન્ડ પર એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન સ્થાનિક વહીવટીતંત્ર સાથે હિસાબ બરાબર કરવાની વાત કરવામાં આવી હતી. તેને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું હતું.