મુંબઇ,
બોમ્બે હાઇકોર્ટે શુક્રવારે પકડેલા સિપાહી રિયાજુદીન કાઝી ને જમાનત આપી દીધી છે. કાઝી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે એક વાહનમાં વિસ્ફોટકો મળી આવવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી. કાઝી પર આરોપ છે કે, તેણે સસ્પેન્ડેડ પોલીસ ઓફિસર સચિન વાજેની સાથે મળીને સબૂતોનો નાશ કર્યો હતો. જ્યારે અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર જિલેટીનની લાકડીઓથી ભરેલી સ્કોપયો કાર મળી આવી હતી. તે સમયે સચિન વાજે સાથે કામ કરતા કાઝીને મુંબઈ ક્રાઈમ બ્રાંચના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. કાઝી પર આઈપીસી કલમ ૧૨૦-બી અને ૨૦૧ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે ૧૩ માર્ચે સચિન વાજેની ધરપકડ બાદ કાઝીની ભૂમિકા સામે આવી હતી.
જો સમગ્ર મામલાની વાત કરીએ તો, ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર જૂના પડેલા એક વાહનમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. જે બાદ આ વાહન અંગે વેપારી હિરેન મનસુખે દાવો કર્યો હતો કે, તે વાહન ચોરી થઈ ગયું હતું. ત્યારબાદ ગયા વર્ષે ૫ માર્ચે મનસુખ મુંબઈ નજીક થાણે જિલ્લામાં એક નાળામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ કિસ્સાએ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી. બાદમાં, આ કેસમાં આગળ મુંબઈ અને મહારાષ્ટ્ર પોલીસ પર ગેરકાયદે વસૂલાતનો આરોપ લાગ્યો હતો. તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે તત્કાલિન ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ૧૦૦ કરોડ રૂપિયાની ગેરકાયદે વસૂલાતનો આરોપ લગાવ્યો હતો. દેશમુખ અને વાજે હજુ પણ જેલમાં છે.