
- લગભગ એક વર્ષ બાદ ગૌતમ અદાણી ફરી એકવાર ભારત અને એશિયામાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર વ્યક્તિ બની ગયા
નવીદિલ્હી, અદાણી રોજ નવા રેકોર્ડ બની રહ્યાં છે. ૨૦૨૪નું વર્ષ અદાણી માટે નવી સફળતા લઈને આવ્યું છે. લગભગ એક વર્ષ બાદ ગૌતમ અદાણી ફરી એકવાર ભારત અને એશિયામાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર વ્યક્તિ બની ગયા છે. હવે તે અબજપતિઓની યાદીમાં ૧૨મા સ્થાને પહોચ્યા છે.
ગુજરાતના અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં ગૌતમ અદાણીએ વિશ્વના અબજોપતિઓની યાદીમાં જોરદાર છલાંગ લગાવી છે અને ૧૨મા સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ જબરદસ્ત વધારો થયો છે. તેમની સંપત્તિમાં ૨૪ કલાકમાં ૭.૬ અબજ ડોલરનો વધારો થયો છે.
જ્યારે મુકેશ અંબાણી અબજોપતિઓની યાદીમાં ૧૨મા સ્થાનેથી ૧૩મા સ્થાને આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, મુકેશ અંબાણીની સંપત્તિ ૯૭ બિલિયન ડોલર છે. છેલ્લા ૨૪ કલાકમાં તેમની નેટવર્થ ૬૬૫ મિલિયન વધી છે.
અદાણી ગ્રૂપના માલિક અને હવે ભારતના સૌથી ધનિક વ્યક્તિ અબજોપતિઓની યાદીમાં ૧૨મા નંબરે આવી ગયા છે. ગુરુવાર સુધી તેઓ આ લિસ્ટમાં ૧૪માં નંબર પર હતા, પરંતુ ૨૪ કલાકમાં તેમની જંગી કમાણીને કારણે તેની નેટવર્થમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી અને તે ૧૪માં સ્થાનેથી ૧૨માં સ્થાને પહોંચી ગયા છે. હાલમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ પણ બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની નેટવર્થ ૯૭.૬ બિલિયન થઈ ગઈ છે.
અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે કંપનીનું મૂલ્ય વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ગૌતમ અદાણીની નેટવર્થ પણ વધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મામલે સેબીની તપાસ સાચી દિશામાં છે ઉપરાંત, માર્કેટ રેગ્યુલેટર સેબીને ૨૪માંથી બાકીના ૨ કેસની તપાસ કરવા માટે વધુ ૩ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
છેલ્લા બે દિવસના ઉછાળાની સાથે શુક્રવારે પણ અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. એસીસી સિમેન્ટનો શેર બીએસઇ પર શેર દીઠ ૩.૨૦% વધીને રૂ. ૨,૩૫૨ થયો હતો. આ સાથે અદાણી પોર્ટ લગભગ ૩ ટકા, અદાણી પાવર ૨ ટકા, અદાણી ટોટલ ગેસ ૨ ટકા, અદાણી વિલ્મર શેર ૦.૧૨ ટકા, અંબુજા લગભગ ૩ ટકા વયા હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝના શેર ૦.૧૮ ટકા ઘટ્યા હતા. આ સિવાય અદાણી એનર્જી સોલ્યુશન્સ ૦.૪૧% અને અદાણી એનર્જી ૦.૪૩% ઘટ્યા હતા