મુંબઈ, દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ધમકી અન્ય કોઈએ નહીં પરંતુ તે જ અજાણ્યા વ્યક્તિએ આપી છે જેણે ૨૭ ઓક્ટોબરે ૨૦૦ કરોડ રૂપિયાની માંગણી કરીને બે ઈમેલ મોકલ્યા હતા. ત્રીજા ઈમેલમાં, વ્યક્તિએ ખંડણીની રકમ વધારીને રૂ. ૪૦૦ કરોડ કરી દીધી કારણ કે અંબાણીએ તેના અગાઉના બે ઈમેલનો જવાબ આપ્યો ન હતો.ધમકીની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુંબઈ પોલીસે સોમવારે દક્ષિણ મુંબઈમાં અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની સુરક્ષા વધારી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ૨૬ ઓક્ટોબરે પહેલો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જેમાં ધમકી આપનાર વ્યક્તિએ ૨૦ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. બાદમાં તેની કિંમત વધારીને ૨૦૦ કરોડ રૂપિયા કરવામાં આવી હતી. તેણે એમ પણ કહ્યું કે જો તે પૈસા નહીં આપે તો મુકેશ અંબાણીને ગોળી મારી દેવામાં આવશે.
અંબાણીના ઓફિશિયલ આઈડી પર મોકલવામાં આવેલા ત્રીજા ઈમેલમાં લખ્યું છે કે, ’તમારી સુરક્ષા ગમે તેટલી સારી હોય, અમે તમને હજુ પણ મારી શકીએ છીએ. આ વખતે કિંમત ૪૦૦ કરોડ રૂપિયા છે અને પોલીસ મને ટ્રેક કરીને ધરપકડ કરી શક્તી નથી.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે મુકેશ અંબાણીને આવી ધમકી મળી હોય. આ પહેલા ગયા વર્ષે મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે બિહારના દરભંગામાંથી એક વ્યક્તિને ધમકીભર્યા કોલ કરવા બદલ ધરપકડ કરી હતી. આરોપીઓએ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.