મુંબઈના કુખ્યાત મુફતી સલમાન અઝહરીને ગુજરાત ATSએ ઘાટકોપરથી દબોચી લીધો હતો. જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિયો વાઇરલ થતાંની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસ મુફતી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં ATSના હેડક્વાર્ટર લાવી છે. અહીંથી ટીમ ચેન્જ કરી મુફતી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવા રવાના થઈ છે.
જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ શું કહ્યું?
જૂનાગઢમાં મૌલાના ભડકાઉ ભાષણ મામલે એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, ગઈ 31 જાન્યુઆરીના નરસિંહ સ્કૂલના મેદાનમાં નશામુક્તિના નામે 8થી 10 વાગ્યા સુધીના કાર્યક્રમ માટે લાઉડ સ્પીકર માટેની મંજૂરી માગવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નશામુક્તિ અને સામાજિકરણની મંજૂરી લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજકો દ્વારા મુંબઈથી મૌલાના સલમાન અઝહરીને બોલવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મૌલાનાએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વયમન્સ્ય ફેલાય, તંગદીલી ઉભી થાય અને રાગદ્વેષ ઊભા થાય તેવા પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું.
બે આયોજકને તાત્કાલિક ઝડપી પાડવામાં આવ્યા હતા
વધુમાં જણાવ્યું હતું કે, આ ભડકાઉનો ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઈ તાત્કાલિક ધોરણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 153 (ખ), 505 (જે), 188 અને 114ની કલમો ઉમેરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે આ કાર્યક્રમના સ્થાનિક આયોજક મહમંદ યુસુફ મલેક, અઝીમ ઓડેદરાને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા હતા અને બીજા આયોજકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમને લઈ જે સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો હતો. જેને લઈ જૂનાગઢ તેમજ આસપાસના જિલ્લામાં કોમી વૈમનસ્ય ન ફેલાય અને કાયદાકીય કાર્યવાહી થાય તે માટે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે ગુજરાતના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એટીએસની અને જૂનાગઢની ટીમ દ્વારા આરોપી મૌલાના સલમાન અઝહરીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યા છે અને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને મુંબઈથી જૂનાગઢ લાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ભડકાઉ ભાષણ મામલે તપાસ જૂનાગઢ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જૂનાગઢ એલસીબી દ્વારા આરોપીને જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢની જનતા ક્યાંય એકઠી ન થાય તે માટે સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા પોલીસ વાહન ચેકિંગ અને તકેદારી હાથ ધરવામાં આવી છે. આ મામલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવી નહીં
વધુમાં જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે, આ ઘટના મામલે કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે કોઈ પણ લોકો આ મામલે સોશિયલ મીડિયાના વીડિયો કે તેના વિશેની કોઈ પણ કોમેન્ટ ન કરે અને ઉશ્કેરણી કરી વાતાવરણ ન ડહોળવા અપીલ કરી છે. જો કોઈ પણ વ્યક્તિ આ મામલે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે લોકોએ આ મામલે કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવી નહીં તેવી લોકોને અપીલ કરું છું.
ગુજરાત એટીએસ દ્વારા મહારાષ્ટ્ર એટીએસની મદદથી સલમાન અઝહરીને ઘાટકોપર ખાતેના તેના નિવાસસ્થાનેથી ઝડપી લઈ સ્થાનિક ચિરાગનગર પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસને જાણ કરીને ગુજરાત પોલીસ અઝહરીને ગુજરાત લાવી છે.
31 જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમ અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ વિદ્યાલય ખાતેની આ સભામાં વક્તા તરીકે મુ્ંબઈના મુફતી સલમાન અઝહરીને બોલાવવામાં હતા. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતા. તેમના ભડકાઉ ભાષણના કેટલાક અંશો તરત જ વાઇરલ થયા હતા. આ વીડિયો વાઇરલ થતાં જ જૂનાગઢ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે આ કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી અને સલમાન અઝહરીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.
કેસની ગંભીરતા જોતાં ગુજરાત ATS પણ હરકતમાં આવી ગઈ હતી. એટીએસની ટીમ મુંબઈ પહોંચી ગઈ હતી અને મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસની મદદથી સલમાન અઝહરીના ઘાટકોપર ખાતેના નિવાસસ્થાને પહોંચી તેને દબોચી લીધો હતો.. પોલીસે સ્થાનિક ચિરાગનગર પોલીસ ચોકી ખાતે તેની એન્ટ્રી કરાવી તેને ગુજરાત લાવવા માટેની કવાયત શરૂ કરી છે.
અઝહરીને ગુજરાત લાવ્યા બાદ ATSની ટીમ તેની પૂછપરછ કર્યા બાદ જૂનાગઢ પોલીસ તેની તપાસ કરશે. અઝહરી પોતાના વિવાદાસ્પદ વક્તવ્યો અને ભડકાઉ ભાષણ માટે કુખ્યાત છે. તેણે અગાઉ પણ આવાં ભડકાઉ ભાષણો કર્યાં હતાં અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. મોડીરાત્રે અઝહરીના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોલીસે તેને પકડ્યો કરી હોવાની માહિતી વાઇરલ કરવામાં આવી હતી.
હિન્દુ સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી
મૌલાનાના ભડકાઉ ભાષણ પર હિન્દુ સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ મૌલાના પર હિન્દુ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. બાદમા ગુજરાતના જૂનાગઢમાં કેસ દાખલ થયો. મૌલાના પર IPC કમલ 153A, 505, 188, 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુજરાત ATSએ મૌલાનાને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધો છે.
મુફતી અઝહરે સમર્થકોને અપીલ કરી
રવિવારે મોડી રાત સુધી જ્યારે હજારો સમર્થકોએ ઘાટકોપર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો ત્યારે મૌલાનાએ માઈકથી શાંતિ બનાવી રાખવા અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે, ના હું અપરાધી છું, ના મને અપરાધ કરવા માટે અહીં લાવવામાં આવ્યો છે. પોલીસ અધિકારી તપાસ કરી રહ્યા છે અને તેમને હું સહયોગ કરી રહ્યો છું. જો આ મારા ભાગ્યમાં હશે તો હું ધરપકડ થવા માટે તૈયાર છું.
કોણ છે સલમાન અઝહરી
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા કથિત ભડકાઉ ભાષણ દેનાર મુફતી સલમાન અઝહરી પોતાને એક ઇસ્લામ રિસર્ચ સ્કોલરના રૂપમાં બતાવે છે. જામિયા રિયાજુલ જન્નાહ, અલ-અમાન એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ અને દારૂલ અમાનમાં સંસ્થાપક અઝહરીએ કાહિરાની અલ અઝહર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. મૌલાના મુફતી ઘણી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવતા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં પણ તેની મોટી ફેન ફોલોઇંગ છે. સાથે જ તે ઇસ્લામિક વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ પણ આપે છે. મૌલાના વારંવાર પોતાના ભડકાઉ ભાષણના કારણે ચર્ચામાં રહે છે.