મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે યુસીસીની ગુગલી ફેંકાઈ: પાયલટ

જયપુર, દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ(યુસીસી) અંગે શરૂ થયેલી ચર્ચા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટે કહ્યું કે કોઈ નક્કર પ્રસ્તાવ વિના યુસીસી પર વાત કરવી એ હવામાં તીર ચલાવવા જેવું છે અને સરકારે લોકોના મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે આ ગુગલી ફેંકી છે. સચિન પાયલટે આક્ષેપ મુક્યો છે કે સરકાર યુસીસીને લઈને હજુ સુધી કોઈ ડ્રાફ્ટ કે બ્લ્યૂપ્રિન્ટ લઈને આવી નથી, પરંતુ ભાજપ સરકાર તેનો રાજકીય ટૂલ તરીકે ઉપયોગ કરી રહી છે.

યુનિફોર્મ સિવિલ કોડ પર શરુ થયેલી ચર્ચા પર કોંગ્રેસના વલણ અંગે પૂછાયેલા એક પ્રશ્ર્નના જવાબમાં સચિન પાયલટે કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડ શું છે, શું કોઇ બિલ આવ્યું છે, શું કોઈ પ્રસ્તાવ આવ્યો છે, શું કોઈ બ્લ્યૂપ્રિન્ટ તૈયાર કરી છે, ખબર જ નથી. યુસીસીના નામ પર અલગ-અલગ લોકો, અલગ-અલગ પક્ષો અને વિવિધ ધર્મોના ધર્મગુરુઓ પોતાના અભિપ્રાય આપી રહ્યા છે.

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પ્રશ્ર્ન કર્યો કે સરકારનો પ્રસ્તાવ શું છે, સંસદની સ્ટેન્ડિંગ કમિટી શું કહી રહી છે, શું સંસદમાં કોઈ બિલ આવ્યું છે, યુસીસીની પરિભાષા શું છે ? કોઈ નક્કર પ્રસ્તાવ વિના યુસીસી પર વાત કરવી એ હવામાં તીર ચલાવવા જેવું છે.કોંગ્રેસ નેતા પાયલટે કહ્યું કે, સરકારે એક ગુગલી ફેંકી છે, હવે તેના પર ચર્ચા કરતા રહો. કોઈ પ્રસ્તાવ અંગે કોઈને પણ ખબર નથી. પાયલટે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકાર જાણી જોઈને ધ્યાન ભટકાવવાનું કામ કરે છે, જેથી મોંઘવારી અને લોકો સાથે જોડાયેલા મૂળ મુદ્દા પર ચર્ચા જ ન થાય નહીં.

દરમિયાન ભાજપે ’ગંદી રમત’ રમીને રાહુલ ગાંધીનું લોક્સભા સભ્ય પદ કર્યું છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસે રવિવારે જાહેરાત કરી કે ભાજપ સરકારની સામે પ્રતીક વિરોધ નોધાવવા માટે પાર્ટીના તમામ કાર્યકરો અને નેતાઓ ૧૨ જુલાઈએ દેશના દરેક રાજ્યના પાટનગરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ’મૌન સત્યાગ્રહ’ કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી કેસી વેણુગોપાલે કહ્યું કે, રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારનો વિરોધ કરવાની બાબતમાં સૌથી મજબૂત હરિફ રહ્યા છે.વેણુગોપાલે કહ્યું કે, સફળ ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીએ લોક્સભામાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. જેના પરિણામ સ્વરુપ ભાજપે તેમને(રાહુલ) સંસદસભ્ય પદથી અયોગ્ય ઠેરવવા માટે પોતાની ’ગંદી ચાલ’ ચાલી હતી.