મુંબઈની બસે અનેકને કચડી નાખ્યા, 7નાં મોત, 43થી વધુ ઘાયલ ; જુઓ હૃદય કંપાવી દેતો વીડિયો

સોમવારે રાત્રે મુંબઈના કુર્લામાં બેસ્ટની બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં અત્યારસુધીમાં 7 લોકોનાં મોત થયાં છે. 43 ઘાયલની સારવાર ચાલી રહી છે. તેમને સાયન અને કુર્લા ભાભામાં દાખલ કરાયા છે.આ અકસ્માત કુર્લા-વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકરનગરમાં થયો હતો. બસ કુર્લા સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. આ બેસ્ટ બસોનું સંચાલન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કરવામાં આવે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી ડ્રાઈવર સંજય મોરે સોમવારે પહેલીવાર બસ ચલાવી રહ્યો હતો. તે 1 ડિસેમ્બરે જ બેસ્ટમાં કોન્ટ્રેક્ટ ડ્રાઇવર તરીકે જોડાયો હતો. એવું માનવામાં આવે છે કે તેણે બ્રેકને બદલે એક્સિલરેટર દબાવી દીધું હતું, જેના કારણે આ અકસ્માત થયો હતો.પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. મોડી રાતથી તે કસ્ટડીમાં હતો.

શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડેએ જણાવ્યું હતું કે કુર્લા સ્ટેશનથી નીકળતી બસની બ્રેક ફેલ થઈ ગઈ અને ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો. ડ્રાઈવર ગભરાઈ ગયો અને તેણે બ્રેક દબાવવાને બદલે એક્સિલરેટર દબાવ્યું, જેનાથી બસની સ્પીડ વધી ગઈ.

BMC અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માત કુર્લાના BSM ખાતે L વોર્ડ પાસે થયો હતો. બેસ્ટની બસ કુર્લા રેલવે સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી, પરંતુ બસ અચાનક ડ્રાઈવરના કાબૂ બહાર ગઈ હતી. બસે પહેલા રાહદારીઓને કચડી નાખ્યા અને પછી ત્યાં પાર્ક કરેલા કેટલાંક વાહનો સાથે અથડાઈ. આ પછી બસ રહેણાક સોસાયટીના ગેટ સાથે અથડાઈને થંભી ગઈ હતી.

ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરવાનું શરૂ કર્યું અને ઘાયલોને નજીકની ભાભા હોસ્પિટલમાં દાખલ કર્યા. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અધિકારીના જણાવ્યા અનુસાર, એવી આશંકા છે કે અકસ્માતનું કારણ બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. અકસ્માત બાદ પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસે બસચાલકની ધરપકડ કરી છે. મુંબઈ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આ બસ દુર્ઘટના રાત્રે 9.50 વાગ્યે થઈ હતી. કુર્લાની ભાભા હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ.અબ્દુલે જણાવ્યું કે 10 ઘાયલને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

આ દુર્ઘટના કુર્લા-વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકરનગરમાં ત્યારે થઈ જ્યારે બેસ્ટની રૂટ નંબર 332 બસ કુર્લા સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. પોલીસે અકસ્માતમાં સામેલ બસના ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. હવે બસના મેઇન્ટેનન્સની તપાસ ચાલી રહી છે.