મુંબઈ હુમલાના દોષિત તહવ્વુરને આજે ભારત લવાશે:અમેરિકાથી સ્પેશિયલ ફ્લાઇટ રવાના, મોડી રાત્રે લેન્ડ થશે; NIA તેને પોતાની કસ્ટડીમાં રાખશે

2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં દોષિત ઠેરવાયેલા તહવ્વુર રાણાને આજે અમેરિકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAWની સંયુક્ત ટીમ તહવ્વુર સાથે એક સ્પેશિયલ ફ્લાઇટમાં રવાના થઈ છે. તેઓ મોડી રાત સુધીમાં ભારત પહોંચવાની અપેક્ષા છે. તેને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવાની તૈયારીઓ ચાલી રહી છે. NIA તેને આગામી થોડા અઠવાડિયા સુધી પોતાની કસ્ટડીમાં રાખશે.

સોમવારે યુએસ સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને રોકવા માટેની અરજી ફગાવી દીધી હતી. તહવ્વુરે ભારત આવવાનું ટાળવા માટે અરજી દાખલ કરી હતી. પોતાની અરજીમાં તેણે પોતાને પાર્કિન્સન રોગથી પીડિત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો તેને ભારત દેશનિકાલ કરવામાં આવે તો તેના પર ત્રાસ ગુજારવામાં આવી શકે છે.

તહવ્વુર રાણાની 2009માં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાણાને યુએસમાં લશ્કર-એ-તૈયબાને ટેકો આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અત્યાર સુધી તેને લોસ એન્જલસના અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો.

26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. આ હુમલાઓ ચાર દિવસ સુધી ચાલુ રહ્યા. આ હુમલામાં કુલ 175 લોકો માર્યા ગયા હતા, જેમાં નવ હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે. 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

મુંબઈ હુમલામાં ભૂમિકા- હેડલીને મુંબઈમાં ઓફિસ ખોલવામાં મદદ કરી

  • મુંબઈ હુમલાના 405 પાનાના ચાર્જશીટમાં રાણાનું નામ આરોપી તરીકે નોંધાયેલું છે. આ મુજબ રાણા ISI અને લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે. રાણા હુમલાના મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી રહ્યો હતો.
  • રાણાએ જ હેડલીને મુંબઈમાં ફર્સ્ટ વર્લ્ડ નામની ઓફિસ ખોલવામાં મદદ કરી હતી. તેણે પોતાની આતંકવાદી પ્રવૃત્તિઓ છુપાવવા માટે આ ઓફિસ ખોલી હતી.
  • ઇમિગ્રેશન કન્સલ્ટન્સી દ્વારા હેડલીએ ભારતમાં ફરવાનું શરૂ કર્યું, લશ્કર-એ-તૈયબા આતંકવાદી હુમલાઓ કરી શકે તેવા સ્થળોની શોધખોળ શરૂ કરી.
  • તેમણે મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્થિત તાજ હોટેલમાં રેકી કરી. બાદમાં અહીં પણ હુમલા થયા.

અમેરિકન સરકારે કહ્યું- રાણાની ભૂમિકા સાબિત થઈ

યુએસ સરકારે કહ્યું, ‘હેડલીએ જણાવ્યું હતું કે રાણાએ એક વ્યક્તિને હેડલી માટે દસ્તાવેજો તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો જેથી મુંબઈમાં ફર્સ્ટ વર્લ્ડ ઓફિસ ખોલવાની ખોટી કહાની સાચી સાબિત થાય. રાણાએ જ હેડલીને ભારત આવવા માટે વિઝા કેવી રીતે મેળવવો તે અંગે સલાહ આપી હતી. આ બધી બાબતો ઈમેલ અને અન્ય દસ્તાવેજો દ્વારા સાબિત થઈ છે.’

અમેરિકી કોર્ટે અગાઉ પ્રત્યાર્પણ અરજી ફગાવી દીધી હતી

13 નવેમ્બર, 2024ના રોજ રાણાએ નીચલી અદાલતના પ્રત્યાર્પણના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, જેને 21 જાન્યુઆરીએ ફગાવી દેવામાં આવી. અગાઉ તેણે સાન ફ્રાન્સિસ્કોની કોર્ટમાં અપીલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત મોકલી શકાય છે.

તહવ્વુરના પ્રત્યાર્પણ માટે ભારતે 5 પગલાં લીધાં

  • 2011માં ભારતની NIAએ રાણા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી.
  • ભારતે સૌપ્રથમ 4 ડિસેમ્બર, 2019ના રોજ રાજદ્વારી માધ્યમો દ્વારા રાણાના પ્રત્યાર્પણની માગ કરી હતી.
  • 10 જૂન, 2020ના રોજ રાણાની કામચલાઉ ધરપકડની માંગણી કરવામાં આવી.
  • ફેબ્રુઆરી 2021માં ભારતે સત્તાવાર રીતે યુએસ ન્યાય વિભાગને પ્રત્યાર્પણની માંગણી કરતો એક પત્ર મોકલ્યો.
  • 22 જૂન, 2021ના રોજ યુએસ ફેડરલ કોર્ટમાં રાણાના પ્રત્યાર્પણ અંગેની સુનાવણી દરમિયાન ભારતે પુરાવા રજૂ કર્યા.

ગયા વર્ષે કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલોએ દલીલ કરી હતી કે તહવ્વુર હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર હતો અને તે જાણતો હતો કે હેડલી લશ્કર-એ-તૈયબા સાથે કામ કરે છે. હેડલીને આર્થિક મદદ કરીને તહવ્વુર આતંકવાદી સંગઠન અને તેની સાથેના આતંકવાદીઓને મદદ કરતો હતો.

હેડલી કોને મળતો હતો અને શું વાત કરી રહ્યો હતો એની માહિતી રાણા પાસે હતી. તે હુમલાની યોજના અને કેટલાક ટાર્ગેટ્સનાં નામ પણ જાણતો હતો. અમેરિકી સરકારે કહ્યું હતું કે રાણા આ સમગ્ર કાવતરાનો એક ભાગ હતો અને તેણે આતંકવાદી હુમલાને ફંડ આપવાનો ગુનો કર્યો હોવાની સંપૂર્ણ આશંકા છે.

તહવ્વુર પાકિસ્તાની સેનામાં ડૉક્ટર હતો, કેનેડિયન નાગરિક

  • 64 વર્ષીય તહવ્વુર હુસૈન રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. તહવ્વુર હુસૈન પાકિસ્તાની સેનામાં ડોક્ટર તરીકે કામ કરતો હતો. ત્યાર બાદ તે 1997માં કેનેડા ગયો અને ત્યાં ઇમિગ્રેશન સેવાઓ પૂરી પાડતા ઉદ્યોગપતિ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
  • કેનેડાથી તે અમેરિકા ગયો અને શિકાગો સહિત અનેક સ્થળોએ ફર્સ્ટ વર્લ્ડ ઇમિગ્રેશન સર્વિસીસ નામની કન્સલ્ટન્સી ફર્મ ખોલી. યુએસ કોર્ટના દસ્તાવેજો અનુસાર, રાણાએ ઘણી વખત કેનેડા, પાકિસ્તાન, જર્મની અને ઇંગ્લેન્ડની મુલાકાત પણ લીધી હતી. તે લગભગ 7 ભાષાઓ બોલી શકે છે.

રાણાની ઓક્ટોબર 2009માં ધરપકડ કરવામાં આવી હતી

ઓક્ટોબર 2009માં FBIએ તહવ્વુર રાણાની શિકાગો, અમેરિકાના ઓ’હેયર એરપોર્ટ પરથી ધરપકડ કરી. તેના પર મુંબઈ અને કોપનહેગનમાં આતંકવાદી હુમલા કરવા માટે જરૂરી સામગ્રી પૂરી પાડવાનો આરોપ હતો. હેડલીની જુબાનીના આધારે તહવ્વુરને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

2011માં રાણાને ડેનિશ અખબાર મોર્ગેનાવિસેન જિલેન્ડ્સ-પોસ્ટેન પર હુમલો કરવાનું કાવતરું ઘડવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ અખબારે 2005માં પયગંબર મુહમ્મદ પર 12 વિવાદાસ્પદ કાર્ટૂન પ્રકાશિત કર્યા હતા. આ હુમલામાં એક કાર્ટૂનિસ્ટનું માથું કાપી નાખવામાં આવ્યું હતું.

બીજા જ વર્ષે, ‘ચાર્લી હેબ્દો’ નામના ફ્રેન્ચ મેગેઝિન દ્વારા આ 12 કાર્ટૂન પ્રકાશિત કરવામાં આવ્યા, જેના બદલામાં 2015માં ચાર્લી હેબ્દોના કાર્યાલય પર હુમલો કરીને 12 લોકો માર્યા ગયા.