પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મનરેગા ફંડની કથિત ઉચાપતની તપાસના સંદર્ભમાં કાર્યવાહી કરી છે. ઈડીએ અહીં ઘણા વિસ્તારોમાં દરોડા પાડયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, જે સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં ૨૪ ઉત્તર પરગણાના સોલ્ટ લેક વિસ્તારનો સમાવેશ થાય છે. અહીં, આઇએ બ્લોકમાં પૂર્વ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. હાલ તેના ઘરની તલાશી લેવામાં આવી રહી છે.
આ સાથે હુગલી જિલ્લાના ચિનસુરામાં એક બિઝનેસમેનના ઘર અને ઓફિસ પર પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. મુર્શિદાબાદ જિલ્લાના બહરમપુરમાં રાજ્ય સરકારના કર્મચારીની સંપત્તિની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઈડી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર જેમના ઘર પર સોલ્ટ લેક વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, તેઓ તેમની સેવા દરમિયાન ધનિયાખલીમાં તૈનાત હતા. તેમણે દાવો કર્યો હતો કે *અનિયમિતતાઓ* માં તેમની સંડોવણીના પુરાવા મળ્યા પછી ભૂતપૂર્વ બીડીઓના નિવાસસ્થાનની શોધ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં મનરેગા હેઠળ ૨૫ લાખ નકલી જોબ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. તે અંગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં ૧૦૦ દિવસના કામ (મનરેગા)ને લઈને સતત હેરાફેરીના આક્ષેપો થઈ રહ્યા છે. તાજેતરમાં, માલદાના દેવતાલાના ગ્રામ પંચાયતના વડા અને ટીએમસી નેતા પર પ્રોજેક્ટના ૫ કરોડ રૃપિયાની ગેરરીતિનો આરોપ લાગ્યો હતો. ગ્રામજનોના એક વર્ગે જિલ્લા મેજિસ્ટ્રેટને લેખિત ફરિયાદ કરી હતી. વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માં, દેવતાલા ગ્રામ પંચાયતમાં ૧૦૦ દિવસના કામ માટે ૩૫૬ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ડ્રેગન ફ્રુટની ખેતી, કેળાના ઝાડની ખેતી, પોલ્ટ્રી શેડ બનાવવાનો સમાવેશ થાય છે. સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે તે સમયે કોઈપણ કામ કર્યા વિના સમગ્ર રકમની ઉચાપત કરવામાં આવી હતી.