મૃત્યુદંડનો સામનો કરી રહેલા ૮ ભારતીયના નેવીના ૮ ઓફિસરની અપીલને મંજૂરી: સુનાવણી માટે ૨૩ નવેમ્બરની તારીખ નક્કી કરાઈ છે.

નવીદિલ્હી,ક્તારમાં કથિત રીતે જાસૂસી કરવાના આરોપ હેઠળ મૃત્યુદંડનો સામનો કરી રહેલા ૮ ભારતીયના પરિવાર માટે દિવાળી પહેલાં ખુશખબર મળી છે. જાણકાર સૂત્રોના કહેવા પ્રમાણે અપીલ કોર્ટે નૌસેનાના પૂર્વ અધિકારીઓની સજા વિરુદ્ધની અપીલ સ્વીકારી છે. સુનાવણી માટે ૨૩ નવેમ્બરની તારીખ નક્કી કરાઈ છે.

અન્ય એક મહત્ત્વની ઘટના પ્રમાણે ક્તારના અધિકારીઓએ ભારતીય રાજદૂતોને ભારતીયને મળવાની (કાઉન્સલર એક્સેસ)ની સંમતિ આપી છે. ઓમાનની અલ દહર કંપનીમાં કામ કરનારા આ ભારતીયોને નીચલી અદાલતે ૨૬ ઓક્ટોબરે સજા સંભળાવી હતી. ચુકાદો આવ્યા પછી સરકારી વકીલને કેસને વિસ્તારપૂર્વક સમજવાની તક મળી.

વ્યાવસાયિક શત્રુતાને પગલે જાસૂસીનો કેસ બનાવી દેવાયો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. પૂર્વ ભારતીય નૌસૈનિકોની ધરપકડ પછી કંપનીને તાળાં વાગી ગયાં છે. વેબસાઇટ પણ બંધ કરી દેવાઈ છે. આ બધાં કારણોસર અટકળોને સાચી પુરવાર કરતા પૂરતા પુરાવા મળી રહ્યા છે.

લગભગ ૩૦મી ઓગસ્ટ ૨૦૨૨ની વાત છે. ભારતીય નૌકાદળના ૮ નિવૃત્ત અધિકારીઓ ક્તારમાં પોતાના ઘરે સૂતા હતા. દરમિયાન ક્તારના ગુપ્તચર અધિકારીઓ આવી પહોંચ્યા અને કોઈપણ આરોપ વિના તેમની ધરપકડ કરી. તેમને અલગ-અલગ જગ્યાએ કેદ રાખવામાં આવ્યા. આ તમામ અધિકારીઓ ક્તારના નૌકાદળને તાલીમ આપતી ખાનગી કંપની દાહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સીમાં કામ કરતા હતા.

દહારા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સંરક્ષણ સેવાઓ પૂરી પાડે છે. ઓમાન એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ખામિસ અલ અજામી તેના ચીફ છે. તેમની પણ ૮ ભારતીય નાગરિક સાથે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ નવેમ્બરમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા.

તેમની ધરપકડના લગભગ ૧૪ મહિના પછી એટલે કે ૨૬ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સમાચાર આવ્યા છે કે આ તમામ ભૂતપૂર્વ નેવી અધિકારીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવશે.

ક્તાર દ્વારા માત્ર મૃત્યુદંડની પુષ્ટિ કરવામાં આવી છે. તેમના આરોપો પર કંઈ જણાવાયું નથી. અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં કેટલીક બાબતો ચોક્કસપણે ચાલી રહી છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સ અનુસાર, આઠ ભારતીય પર ઈઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. અલ-જઝીરાના એક રિપોર્ટ અનુસાર, તમામ આઠ લોકો પર ક્તારના સબમરીન પ્રોજેક્ટ સાથે જોડાયેલી માહિતી ઈઝરાયલને આપવાનો આરોપ છે.

રિપોર્ટ્સ અનુસાર, ક્તાર ઇટાલી પાસેથી સબમરીન ખરીદી રહ્યું છે. એ ખૂબ નાની છે અને રડાર દ્વારા શોધી શકાતી નથી. ક્તારના નેવલ કાફલામાં સામેલ કરતાં પહેલાં ક્તાર સરકારે આ અંગે ઘણા ભારતીય નેવી અધિકારીઓની સલાહ અને મદદ લીધી છે. આ તમામ આઠ નૌસૈનિક ક્તારના નૌકાદળને તાલીમ આપતા હતા, તેથી તેઓ પણ તેનાથી વાકેફ હતા.

નિષ્ણાતોના મતે ક્તાર અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સારા છે. પાકિસ્તાન ક્તાર પાસેથી આ સબમરીન લઈ શકે છે. આવી સ્થિતિમાં ભારત પણ આ સબમરીન વિશે જાણવા માગતું હતું. આની બીજી બાજુ એ છે કે ભારત ઈઝરાયલ પાસેથી લશ્કરી શો ખરીદે છે. ક્તારની ગુપ્તચર એજન્સી ‘ક્તાર સ્ટેટ સિક્યોરિટી’એ કહ્યું છે કે તેણે ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓની સિસ્ટમ જપ્ત કરી છે, જેના દ્વારા તેઓ જાસૂસી કરતા હતા.