
શિલોંગ, મેઘાલયના શિલોંગમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ બાયો રીસોર્સીસ કેમ્પસમાં એક મહિલા સહિત ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આઇએસબીઆર કેમ્પસમાંથી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ત્યાં બનેલા ક્વાર્ટર્સની તપાસ કરતા એક રૂમમાં એક મહિલા અને બીજા રૂમમાં બે પુરૂષોના મૃતદેહ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને એક વાસણમાં જંગલી મશરૂમ પણ મળ્યા હતા. જે બાદ પોલીસે આશંકા વ્યક્ત કરી હતી કે આ લોકોનું ઝેરી મશરૂમ ખાવાથી મોત થયું છે. ત્રણ મૃતકોમાં શીબા ખરબાની, રુપર્ટ ડોનબોર ડોહતડોંગ અને બેકસ્ટાર ખારકરંગ આઇએસબીઆરના કર્મચારીઓ છે. જે માવલાઈ ફુડમાવરીના રહેવાસી હતા.

પોલીસને બિલ્ડિંગના પહેલા માળે આવેલા રૂમમાંથી દુર્ગંધ આવવાની માહિતી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાંથી બે ગુરુવારે નજીકના જંગલમાંથી મશરૂમ લેવા ગયા હતા. તેઓ જ્યાં રહેતા હતા તે રૂમમાંથી રાંધેલા મશરૂમનું કન્ટેનર પણ મળી આવ્યું હતું. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમનું મોત મશરૂમ ખાવાથી થયું હશે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચી મીહિતી સામે આવશે.રૂમમાંથી મળી આવેલા વાસણો ઉપરાંત પોલીસ મૃત્યુનું કારણ જાણવા માટે અન્ય પુરાવા પણ શોધી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નોર્થ ઈસ્ટ ઈન્દિરા ગાંધી રિજનલ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં આવ્યા છે.
ચાર મહિના પહેલા હિમાચલના સોલનમાં ક્સૌલીને અડીને આવેલા ગઢખલમાં ફૂડ પોઈઝનિંગથી એક પરપ્રાંતિય યુવકનું મોત થયું હતું. તેના અન્ય ત્રણ સાથીઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક નજાક્ત હરિયાણાનો રહેવાસી છે. જ્યારે બાકીના ૩ બિહાર રાજ્યના છે, જેઓ અહીં સુથાર તરીકે કામ કરતા હતા. નજાક્ત અહીં ૨૦ માર્ચે જ કામ માટે આવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.