ભોપાલ, મધ્યપ્રદેશ ના ઓમકારેશ્ર્વરમાં હોડી પલટી જતાં ગુજરાતી પરિવારના એક બાળકનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. દુર્ઘટનામાં ભાવનગરના ૬ લોકો ડૂબ્યા હતા. જેમાંથી ચાર લોકોને નાવિકોએ બચાવી લીધા છે. તો બીજીતરફ ઘટનામાં તંત્ર અને હોડી ચલાવનારની ઘોર બેદરકારી સામે આવી છે. હોડીમાં લાઈફ જેકેટ હોવા છતાં લોકોને પહેરાવવામાં નહોતા આવ્યા. જો લાઈફ જેકેટ પહેરાવેલા હોત તો તમામ લોકોને બચાવી શકાયા હોત. ઓમકારેશ્ર્વરમાં ૧૪૧ લાયસન્સ ધારક નાવિક છે. આ સિવાય ૭૫થી ૮૦ હોડીઓ ગેરકાયદે ચાલે છે. જેના પર તંત્રનો કોઈ જ અંકુશ નથી.
મળતી માહિતી પ્રમાણે ભાવનગરનો વ્યાસ પરિવાર સોમવારે ભાવનગરથી ઉજ્જૈન પહોંચ્યો હતો અને ત્યાંથી ઓમકારેશ્ર્વર દર્શન કરવા આવ્યો હતો. સાંજે ૪ કલાકે ઓમકારેશ્ર્વરમાં વાદળોની ગર્જના સાથે ઝડપી પવન ફૂંકાવા લાગ્યો. સાથે જ મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. જેના કારણે એક હોડી નર્મદા નદીના કિનારા નજીક જ પલટી ગઈ હતી.
હોડીમાં ભાવનગરના ૩૨ વર્ષીય નિકુંજ વ્યાસ, ૫૮ વર્ષીય રશ્મિન વ્યાસ, ૩૧ વર્ષીય વાણી વ્યાસ, દક્ષ વ્યાસ, ડિંકલ બેલડિયા અને કાર્તિક બેલડિયા બેઠેલા હતા. જેમાં દોઢ વર્ષના દક્ષ વ્યાસનું મોત થયું છે. જ્યારે કાર્તિક બેલડિયા હજુ પણ લાપતા છે. હોડી પલટતી જોઈને આસપાસના નાવિકોએ દોડીને ૪ લોકોને ડૂબતા બચાવી લીધા હતા.