મધ્યપ્રદેશ માં રસ્તાની ધારે નિંદ્રાધીન શ્રમિકો પર ટ્રક ફરી વળી, ૫નાં મોત

ભોપાલ, મધ્યપ્રદેશ ના બુલઢાણા જિલ્લામાં આજે વહેલી સવારે બનેલી એક ભીષણ દુર્ઘટનામાં એક બેકાબૂ બનેલી ટ્રક રસ્તા કિનારે એક ટીન શેડમાં સુતેલા મજૂરો પર ફરી વળતા પાંચ મજૂરોના મોત થયા હતા. આ ઘટનામાં અન્ય પાંચ મજૂરો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે બીજા બે મજૂરોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. આ તમામ મજૂરો હાઇવેના કામ માટે મધ્યપ્રદેશ થી અહીંયા આવ્યા હતા. આ ઘટના બાદ ટ્રકનો ડ્રાઇવર ટ્રક છોડીને ફરાર થઇ ગયો હતો.

આ સંદર્ભે પોલીસના એક ઉચ્ચાધિકારીના જણાવ્યાનુસાર આ દુર્ઘટના આજે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે બુલઢાણા જિલ્લાના વડનેર-ભોલજી ગામ પાસે નેશનલ હાઇવે નંબર-૬ પરના સર્વિસ રોડ પર બની હતી. અહીં હાઇવેનું કામ ચાલી રહ્યું હોવાથી હાઇવેના કામમાં ફરજ બજાવતા અમૂક મજૂરો હાઇવેના કિનારે બનાવેલ એક કામચલાઉ ટીન શેડમાં સુતા હતા ત્યારે વહેલી સવારે પૂરપાટ વેગે પસાર થયેલ એક ટ્રક બેકાબૂ બની તેમના પર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં ત્રણ મજૂરોના ટ્રક હેઠળ કચડાઇ જવાથી ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય સાત જણ ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં વધુ બે મજૂરોના સારવાર દરમિયાન મોત થયા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ અન્ય મજૂરોની સારવાર સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે.

દરમિયાન આ દુર્ઘટના બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ પ્રકરણે આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ડ્રાઇવરને પકડી પાડવાના પ્રયાસો આદર્યા છે.