બીજાપુર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના બે જિલ્લામાં નક્સલવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં ૧ મહિલા સહિત ૬ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. મધ્યપ્રદેશ ના બાલાઘાટમાં ૨ અને છત્તીસગઢના બીજાપુરમાં ૪ નક્સલવાદીઓના મોતના સમાચાર છે. બીજાપુરમાં ઘણા નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. બંને રાજ્યોના સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા છે. તેઓએ વિસ્તારમાં શોધખોળ તેજ કરી છે. માહિતી અનુસાર, લોક્સભા ચૂંટણી દરમિયાન ૧લી એપ્રિલની મોડી રાત્રે બાલાઘાટ પોલીસને મોટી સફળતા મળી હતી. અહીં માથા પર જંગી ઇનામ હતું તે નક્સલવાદીઓ એન્કાઉન્ટર માં માર્યા ગયા હતા. બાલાઘાટમાં માર્યા ગયેલા નક્સલવાદીઓ પર ૪૩ લાખ રૂપિયાનું ઈનામ હતું.
તેમની વચ્ચે એક મહિલા પણ હતી. પોલીસને તેમની પાસેથી એકે-૪૭ સહિત બે હથિયારો મળી આવ્યા હતા. આ એન્કાઉન્ટર ની પુષ્ટિ એસપી સમીર સૌરભે પણ કરી છે. આ ઘટના બાદ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિસ્તાર વર્ચસ્વ અને શોધખોળ તેજ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોને એવી માહિતી મળી હતી કે લોક્સભા ચૂંટણી દરમિયાન નક્સલવાદીઓ કોઈ મોટો ગુનો કરી શકે છે. આ માહિતી પર પોલીસે બાલાઘાટ બોર્ડર પર શોધખોળ કરી હતી. આ સમય દરમિયાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સરહદની વચ્ચે ડાબરી અને પીટકોના નજીક કેરાઝારીના જંગલમાં તેનો નક્સલવાદીઓ સાથે સામનો થયો.
આ એન્કાઉન્ટર માં ૪૩ લાખનું ઈનામ ધરાવનાર બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. એસપી સમીર સૌરભે કહ્યું કે માર્યા ગયેલા બંને નક્સલવાદીઓ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં અનેક ઘટનાઓમાં સામેલ હતા. માર્યા ગયેલી મહિલા નક્સલવાદીનું નામ સજંતિ ઉર્ફે ક્રાંતિ હતી. તેના માથા પર ૨૯ લાખ રૂપિયાનું ઈનામ હતું. જ્યારે બીજો નક્સલવાદી રઘુ ઉર્ફે શેર સિંહ હતો. તેના માથા પર ૧૪ લાખ રૂપિયાનું ઈનામ હતું. બંનેના મૃતદેહ મળી આવ્યા છે.
બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ૪ નક્સલવાદીઓના મોતના સમાચાર છે. માર્યા ગયેલા નક્સલવાદીઓ ઉપરાંત ઘણા નક્સલવાદીઓના ઘાયલ થવાના સમાચાર છે. સુરક્ષા દળોએ ઘટના સ્થળેથી ઓટોમેટિક હથિયારો જપ્ત કર્યા છે. પોલીસ પાર્ટી હજુ પણ જંગલોમાં શોધખોળ કરી રહી છે. આ એન્કાઉન્ટર ગંગાલુરના કોરચોલીના જંગલોમાં થયું હતું.