- જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.
ભોપાલ,મધ્યપ્રદેશ ના નવા મુખ્યમંત્રી મોહન યાદવે આજે બુધવારે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતાં તેઓ મધ્યપ્રદેશ ના ૧૯મા મુખ્યમંત્રી બન્યા છે. જયારે જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુકલાએ નાયબ મુખ્યમંત્રી તરીકેના સોગંદ લીધા હતાં રાજ્યપાલ મંગુભાઈ પટેલે તમામને શપથ લેવડાવ્યા હતા. હાલમાં અન્ય કોઈ ધારાસભ્યએ મંત્રી તરીકે શપથ લીધા નથી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને અન્ય નેતાઓએ સમારોહમાં હાજરી આપી હતી.ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.
શપથ ગ્રહણ સમારોહનું આયોજન ભવ્ય બનાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ૧૦ મિનિટ સુધી ચાલ્યો હતો. ભાજપના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓમાં ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના પુષ્કર ધામી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શપથગ્રહણમાં ભાગ લીધો હતો. બીજેપી મધ્ય પ્રદેશ એકમના વડા વિષ્ણુ દત્ત શર્મા અને આઉટગોઇંગ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સમારોહની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
શપથ લેતા પહેલા મોહન યાદવે કહ્યું હતું કે, હું બધાને સાથે લઈ જઈશ અને સુશાસન સુનિશ્ચિત કરીશ. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે મને વિશ્વાસ છે કે નવા મુખ્યમંત્રી રાજ્યમાં સમૃદ્ધિ, વિકાસ અને જન કલ્યાણને નવી ઉંચાઈએ લઈ જશે.૩ ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદથી ચાલી રહેલી અટકળોને વેગ મળ્યો હતો. જ્યારે ભાજપે સોમવારે મધ્યપ્રદેશ ના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામની જાહેરાત કરી ત્યારે ભાજપના દિગ્ગજ નેતા શિવરાજ સિંહ ચૌહાણ પાંચમી વખત મુખ્યમંત્રી પદ સંભાળવાનો રેકોર્ડ બનાવવાથી ચૂકી ગયા.
મોહન યાદવને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નજીકના માનવામાં આવે છે. જોકે, તેમને પોતે મુખ્યમંત્રી બનવાની આશા નહોતી. તેઓ અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાયના છે, જે રાજ્યની વસ્તીના ૪૮ ટકાથી વધુ છે. સોમવારે મુખ્યમંત્રી તરીકે નામ આપવામાં આવ્યા બાદ મોહન યાદવ રાજ્યપાલ મંગુભાઈ પટેલને મળ્યા હતા અને આગામી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. યાદવ ૨૦૧૩માં પ્રથમ વખત ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ૨૦૧૮માં અને ફરીથી ૨૦૨૩માં વિધાનસભા બેઠક જાળવી રાખી હતી. ગયા મહિને યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે રાજ્યની ૨૩૦ વિધાનસભા બેઠકોમાંથી ૧૬૩ બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસ ૬૬ બેઠકો સાથે મુખ્ય વિપક્ષની ભૂમિકામાં આવી હતી.