મધ્યપ્રદેશ ચૂંટણીના પરિણામો રદ કરવા જોઈએ…: ચીફ જસ્ટિસને પત્ર મોકલવામાં આવ્યો

નવીદિલ્હી, એક વકીલે મુખ્ય ન્યાયાધીશને એક પત્ર અરજી મોકલીને મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામોને રદ કરવાની માંગ કરી છે. પત્ર અરજીમાં કહેવામાં આવ્યું છે કે મતદાન દરમિયાન વિવિધ પ્રકારની ગેરરીતિઓની ૧૫,૦૦૦ ફરિયાદો ચૂંટણી પંચને કરવામાં આવી હતી. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ચેડાં, સીસીટીવી બંધ કરવા અને અન્ય પ્રકારની ફરિયાદો ચૂંટણી પંચને આપવામાં આવી હતી. આ ૧૫,૦૦૦ ફરિયાદો ચૂંટણી પંચના પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે. પત્ર અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચે આ ફરિયાદો પર કોઈ નિર્ણય લીધા વિના ઉમેદવારોને પ્રમાણપત્રો જારી કર્યા છે. આ પત્રની અરજી વકીલ નરેન્દ્ર મિશ્રાએ દાખલ કરી છે.

પાંચ રાજ્યોની તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ ઘણા વિપક્ષી નેતાઓએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર સવાલો ઉઠાવ્યા હતા, જોકે કેટલાકે કહ્યું કે તેમને ઈવીએમમાં વિશ્ર્વાસ છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે પણ તેઓ ચૂંટણી જીતવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેઓ ઈવીએમને દોષ આપે છે.

તેમણે કહ્યું, “એમાં કંઈ નવું નથી. વિપક્ષ, તે કોઈ પણ હોય, જ્યારે તે જીતે છે ત્યારે તેને ઈવીએમથી કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે તે હારે છે, ત્યારે તે ઈવીએમ પર દોષારોપણ કરે છે.