જયપુર, રાજસ્થાનના જયપુરમાં સવાઈ માન સિંહ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ આશરે ૧૮ લોકોની એક આંખની રોશની ચાલી ગઈ. પીડિત દર્દીઓને ગત મહિને સવાઈ માન સિંહ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમાંથી મોટાભાગના લોકોનું ઓપરેશન ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના અંતર્ગત કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના અશોક ગેહલોતના નેતૃત્વવાળી રાજસ્થાન સરકારની પસંદગીની યોજનાઓ પૈકી એક છે.
જાણકારી અનુસાર, કેટલાક દર્દીઓએ આંખના ઓપરેશન બાદ ગંભીર દુ:ખાવાની ફરિયાદ કરી. ડૉક્ટરે તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ થવા માટે કહ્યું. કેટલાક દર્દીઓએ ત્રણવાર ઓપરેશન કરાવ્યું હતું.પરંતુ, બે અઠવાડિયા કરતા વધુ સમય વીતી જવા છતા ગુમાવેલી દ્રષ્ટિ પાછી ના આવી. પીડિત દર્દી ચંદા દેવીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, એક આંખથી જરા પણ દેખાઈ નથી રહ્યું અને પાણી નીકળી રહ્યું છે. ડૉક્ટર કહી રહ્યા છે કે, ઇન્ફેક્શન થઈ ગયુ છે. પહેલા કરતા થોડું ઓછું થયુ છે. ધીમે-ધીમે સારું થઈ જશે. એક દર્દીના દીકરા રાકેશ સોનીનું કહેવુ છે કે, ૨૬ જૂને મમ્મીની આંખનું ઓપરેશન થયુ હતું. ત્યારબાદ અમે તેમને ઘરે લઇને ચાલ્યા ગયા. બીજા દિવસથી આંખોમાં, માથામાં અતિશય દુ:ખાવો થવા માંડ્યો. બીજા જ દિવસે પાછા લઇને આવ્યા અને તપાસ કરાવી. હોસ્પિટલમાં ફરી બેવાર ઓપરેશન કરવામાં આવ્યું છે. પરંતુ, ના તો તેમનો દુ:ખાવો ઓછો થઈ રહ્યો છે અને ના તેમને એ આંખથી કંઈ દેખાઈ રહ્યું છે.
દર્દી નફીસા બેગમે જણાવ્યું કે, ડૉક્ટરે ઓપરેશનના એક દિવસ બાદ રજા આપી દીધી. ઘરે ગયા બાદ દુ:ખાવો થવા માંડ્યો. બીજા દિવસે ડૉક્ટરે ફોન કરીને પૂછ્યું કે શું તમને દુ:ખાવો થઈ રહ્યો છે. મેં હાં પાડી તો તેમણે મને ફરી હોસ્પિટલ આવવા માટે કહ્યું. જ્યારે હું પાછી ગઈ તો આંખ સાફ કરવામાં આવી અને ફરી ઓપરેશન કરવામાં આવ્યું. પરંતુ, દુ:ખાવો ઓછો ના થયો. હવે આંખથી દેખાઈ પણ નથી રહ્યું.
જેટલા દર્દીઓને ઓપરેશન બાદ તકલીફ થઈ રહી છે તેમના સગા-સંબંધીઓ મેડિકલ સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, તેમને દર્દીઓની સ્થિતિ અંગે જાણકારી આપવામા ના આવી. તેમના દર્દીઓને અતિશય દુ:ખાવો અને ગંભીર મુશ્કેલી થવા છતા ઘરે લઇ જવા માટે કહેવામાં આવ્યું. આ ભયાનક ગડબડ સામે આવ્યા બાદ હોસ્પિટલ પોતાની જવાબદારીમાંથી બચવાનો પ્રયત્ન કરી રહી છે. આ અંગે સ્વાસ્થ્ય મંત્રી પરસાદી લાલ મીણાનું કહેવુ છે કે, ડૉક્ટરની કોઈ ભૂલ નથી થઈ. સવાઈ માન સિંહ હોસ્પિટલના નેત્ર રોગ વિભાગના ડૉ. પંકજ શર્માએ જણાવ્યું કે, અમારે ત્યાં ઓટીમાં કોઈ ખામી નથી. હાલ, માઇક્રોબાયોલોજીની તપાસ ચાલી રહી છે.