સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારનો વિકાસ કરવા માટે વિવિધ વિકાસશીલ કાર્ય કરવામાં આવે છે. ત્યારે જાડી ચામડીના કોન્ટ્રાક્ટરો પોતાના આર્થિક લાભ માટે હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરીને રોડ રસ્તાઓ સહિતની વિવિધ વસ્તુઓનું નિર્માણ કરે છે અને હલકી કક્ષાની વસ્તુઓ બનાવીને લોકોને તેમજ સરકારને ગેરમાર્ગે દોરે છે અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો ટૂંકા જ સમયગાળામાં નિષ્ફળ જાય છે અને તેના પગલે પ્રજાને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે. ત્યારે ફતેપુરા તાલુકાના મોટી નાદુકણ ગામે સરકારની વિકાસની યોજના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં રૂપિયા 85 લાખના ખર્ચે બનેલો રસ્તો માત્ર આઠ માસમાં તૂટી જતા ગામની પ્રજાને જીવના જોખમે આ રસ્તે થઈને પોતાના વાહનો પસાર કરવાનો વારો આવ્યો છે.
વિગતે વાત કરીએ તો ફતેપુરા તાલુકાના ગામે મોટી નાદુકણ ગામે આજથી આઠ માસ અગાઉ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોટી નાદુકણ ગામના હનુમાન મંદિરથી કુપડા ગામના ડામોર ફળિયા સુધીનો નવીન ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. રૂપિયા 85 લાખના ખર્ચે આ નવીન ડામર રોડ બનાવવામાં આવ્યો હતો.જેમાં ચાર નાળા સહિતનો ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ ડામર રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા એટલી હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી છે કે, જેના પગલે માત્ર આઠ માસમાં જ આ રસ્તો ઠેક ઠેકાણે થી તૂટી જવા પામ્યો છે અને અહીંથી પસાર થવા માટે ગ્રામજનો અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
હાલ તો ગ્રામજનો પોતાના જીવના જોખમે આ રસ્તેથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે આ રસ્તા પર લગાવવામાં આવેલા નાળાઓમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા બારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. આ નવીન ડામર રોડ પર જે જગ્યાએ નાળા મૂકવાના હતા ત્યાં ન મૂકીને અન્ય સ્થળે નાળા મુકતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યું છે જેના પગલે ખેડૂતોને પણ લાખો રૂપિયાનું નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે હાલ તો ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરના ડરથી નામ ના આપવાની શરતે જણાવ્યું છે કે, જો ટૂંક સમયમાં લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા આ કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક પગલાં લઈને કોન્ટ્રાક્ટરની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ રસ્તો તાત્કાલિક રીપેર કરવામાં આવે જો તેમ કરવામાં નહીં આવે તો ગ્રામજનો ટૂંક સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને ઉચ્ચકક્ષાએ આ બાબતે રજૂઆત કરશે. ત્યારે લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને આ રસ્તાને રીપેર કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.