
- જીવનમાં આવેલા આમુલ પરિવર્તન અંગે લાભાર્થીઓએ ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી સફળવાર્તા.
લુણાવાડા,\મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મોટા વાડોદર ગામે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓની ઝીણવટપૂર્ણ માહિતી અને લાભોનું મહત્વ વર્ણવતી ફિલ્મ નિહાળી હતી. વધુમાં વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી.

આ પ્રસંગે જીલ્લાના અગ્રણી ગમીરભાઈ ધામોત અને યાત્રાના ઇન્ચાર્જ મુળજીભાઈ રાણાએ ગ્રામજનોને સરકારની યોજનાનો વધુમાં વધુ લાભ લઈને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે એક જવાબદાર નાગરિકની ભુમિકા અદા કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ વેળાએ સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની”ના સ્વરૂપે યોજનાકીય લાભોની પ્રસ્તુતિ કરીને ગ્રામજનોને સરકારી યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. અગ્રણી અંબાલાલભાઈએ સૌને પ્રાકૃતિક ખેતી અંગે પ્રોત્સાહિત કર્યા હતા.

રાજ્ય સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની 17 જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભો ગ્રામજનો સુધી પહોંચાડવા માટે પરંપરાગત માધ્યમનો અસરકારક ઉપયોગ કરીને કલાકારોની કલા અને પરંપરા જીવંત રાખવાનો સરાહનીય પ્રયાસ કરી કલાકારોને પ્રોત્સાહિત કર્યા છે.

આ કાર્યક્રમમાં મોટા વાડોદર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિકસિત ભારત યાત્રાની વિશેષ પ્રાર્થના અને વિદ્યાર્થીનીઓ સ્વાગતગીત રજુ કરી અનોખો સંદેશો પાઠવ્યો હતો. તેમજ બેટી બચાઓ બેટી પઢાઓ વિશે તેમજ પર્યાવરણ રક્ષા અંગે મનનીય વકતવ્ય આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોએ આંગણવાડી સ્ટોલ્સ પરથી પોષણક્ષમ વાનગીઓ તૈયાર કરવાની પદ્ધતિ અને યોજનાકીય માહિતી પ્રાપ્ત કરી હતી. ઉપરાંત, વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. આ તબક્કે ડ્રોન ટેક્નોલોજીની મદદથી પાકમાં સરળતાથી નેનો યુરિયાના છંટકાવ કરવા અંગે ખેડૂતોને ડેમોસ્ટ્રેશન દ્વારા માર્ગદર્શિત કરાયા હતા.

આ કાર્યક્રમ વેળાએ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું. મોટા વાડોદર ખાતે આયોજીત કાર્યક્રમમાં સરપંચ કાન્તાબેન, ડે. સરપંચ જતીન પટેલ, શાળાના આચાર્ય મંગુબેન વણકર, અગ્રણીઓ સુખાભાઈ ખાંટ, પંચાયત સભ્યો, આરોગ્ય, આંગણવાડી અને ખેતીવિભાગના કર્મયોગીઓ, લાભાર્થીઓ, શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.