મોતની ઇમારતો ગત વર્ષે 1 મકાનને નોટીસ આપી સંતોષ માન્યો હતો : હોળી ચકલા, મદાની શેરી, કાલુપુર સહિત અનેક વિસ્તારોમાં જોખમી બિલ્ડિંગ

  • બાલાસિનોર નગરમાં પડું પડું જોખમી ઇમારતો, દુર્ઘટના બાદ તંત્ર જાગશે કે શું?
  • બાલાસિનોરમાં જર્જરિત ઇમારતોનો રાફડો પણ પાલિકા તંત્ર નિંદ્રામાં

બાલાસિનોર નગરના અલગ અલગ વોર્ડમાં જર્જરિત મકાનો, બિલ્ડિંગો ઘણા મહિનાઓથી જોખમી હાલતમાં છે. આવા ભયજનક મકાનો અને બિલ્ડિંગની આસપાસ રહેતા લોકો અકસ્માતનો ભય સેવી રહ્યા છે. રાજ્યમાં ચોમાસા પૂર્વે જર્જરિત મકાનોનો સરવે કરી તેને ઉતારી લેવાની નોટીસ આપવા સહિતની કામગીરી કરાતી હોય છે. પરંતુ બાલાસિનોર નગરપાલિકાને આ નિયમ લાગુ ન પડતો હોય એમ કોઈ કાર્યવાહી કરાઈ હોવાનું સ્થળ પર જોવા મળતું નથી.

આ અંગે પંચમહાલ સમાચાર એ બાલાસિનોરના વિવિધ વિસ્તારોમાં જોખમી ઇમારતો અંગે રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, અનેક જૂની બિલ્ડિંગ, મકાનો મોતનો માંચડો બની ગયા છે. નગરના હોળી ચકલા, મદાની શેરી, ગાંધી ચોક, ગોલવાડ જેવા અનેક વિસ્તારમાં અમુક જૂના મકાનો, દુકાનો, બિલ્ડિંગ પર તિરાડો પડેલી નજરે જોઈ શકાય છે. નગરના મોટા ભાગના કિસ્સાઓ તંત્રને ખબર હોય છે કે આ કાચું કે પાકું જોખમી મકાન કે દુકાન, બિલ્ડિંગ ના કારણે ગમે ત્યારે અકસ્માત બની શકે છે. છતાં પણ નક્કર કાર્યવાહી થતી નથી. શહેરમાં અનેક એવા ભયગ્રસ્ત મકાનો છે જે ભારે પવન સાથે વધુ વરસાદ પડે તો જમીનદોસ્ત થવાની શક્યતા છે.

અગાઉ કડિયાના ઢાળ પાસે આવેલ જોખમી લાયબ્રેરી તેમજ ગાંધી ચોકમાં આવેલ સૂરજ મહેલનો નો કેટલોક ભાગ ધરાશાઈ થયો હતો. અને હાલ અન્ય ભાગ ભયગ્રસ્ત હાલતમાં હોવાના કારણે આસપાસના લોકો અકસ્માતનો ભય સેવી રહ્યા છે. નગરપાલિકાએ બાલાસિનોર ના જર્જરિત અને ભયગ્રસ્ત મકાનો, બિલ્ડિંગો નું આ વર્ષે સર્વે કર્યું હતું પરંતુ સર્વેમાં એક પણ મકાન કે બિલ્ડિંગ તંત્રને જર્જરિત લાગ્યું ન હતું.

આગામી એક મહિના બાદ ચોમાસુ છે, પ્રિ – મોન્સુન કામગીરી ના ભાગરૂપે પાલિકાએ ફરી એક વખત ભયગ્રસ્ત બાંધકામોનો વ્યવસ્થિત સર્વે કરીને તેની યાદી તૈયાર કરી આવા તમામ બાંધકામના વપરાશકર્તાઓને ચોમાસા પહેલા રીપેરીંગ તેમજ ઉતારી લેવા નોટિસ આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. જો કે માત્ર કાગળ પર કાર્યવાહી કરાતી હોવાનું લોકોને લાગી રહ્યું છે. જ્યારે જર્જરિત હાલતમાં મકાનની દીવાલ પડે અને કોઈને ઇજા કે કંઇ થાય તો જવાબદારી કોની તે મોટો સવાલ ઉઠી રહ્યો છે.

ગત વર્ષે પાલિકાએ જોખમી મકાનના ફક્ત 1 જ વપરાશકર્તાને નોટિસ પાઠવી હતી..

ગત વર્ષ 2024ના ચોમાસા પૂર્વે સર્વે કરી પટેલવાડા વિસ્તારમાં જર્જરિત અને જોખમી મકાન ના વપરાશકર્તાને નોટિસ પાઠવી હતી. આ વર્ષે પંદર દિવસ પહેલા સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ સર્વેમાં એક પણ ઈમારત જર્જરિત હોય એવું જાણવામાં આવ્યું નથી. – આકાશ પટેલ, ચીફ ઓફિસર, બાલાસિનોર

લ્યો બોલો…પાલિકાને સર્વેમાં એક પણ ઈમારત જર્જરિત ન દેખાઈ…

બાલાસિનોર નગરનાઅનેક વિસ્તારોમાં જર્જરિત મકાનો આવેલા છે, પરંતુ પાલિકા દ્વારા કરવામાં આવેલ સર્વેમાં એક પણ મકાન જર્જરિત દેખાઈ નહીં. ત્યારે ફક્ત કાગળ ઉપર સર્વે કર્યો હોય તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું હતું.