મૃત્યુ બાદ અડધી સંપત્તિ પ્રજાને આપવાના કાયદાનું સમર્થન કરતા કોંગ્રેસના નેતા સૈમ પિત્રોડા

કોંગ્રેસે પિત્રોડાના ’હેરિટન્સ ટેક્સ’ નિવેદનથી પોતાને દૂર રાખ્યા, જયરામે કહ્યું- આ પાર્ટીનો વિચાર નથી.

નવીદિલ્હી, કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ મૃત્યુ બાદ લોકોની અડધી સંપતિ જનતાને આપી દેવાના કાયદાની વકીલાત કરી છે. પિત્રોડાનું આ નિવેદન રાહુલ ગાંધીના સંપતિના સર્વે અને તેની ફરીથી વહેંચણીના વાયદા વચ્ચે આવ્યું છે. યુએસના શિકોગોમાં સેમ પિત્રોડાને રાહુલ ગાંધીના વાયદા પર સવાલ પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું કે, અમે કોઈની સંપતિ લઈને અન્યને આપી નથી દેવાના. ભવિષ્યમાં અમે એવી પોલિસી લાવી શકીએ છે. સેમ પિત્રોડાએ એવું પણ કહ્યું કે, લોકો અમીર હોય તે બરાબર છે. પરંતુ કોઈ એટલું ધનાઢ્ય ન હોવાનું જોઈએ કે તેઓ સરકાર ચલાવે.

આ સાથે સેમ પિત્રોડાએ અમેરિકાનું ઉદાહરણ આપ્યું કે, અમેરિકામાં એક ઈનહેરિટન્સ ટેક્સ છે. જેમાં કોઈનું મૃત્યુ થાય તો તેની સંપતિમાંથી ૫૫ ટકા સરકારના ખજાનામાં જમા થાય છે. જ્યારે ૪૫ ટકા જ તેમના વારસદારોને મળે છે. મને આ યોગ્ય લાગે છે.ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ કહ્યું કે ’અમેરિકામાં વારસાગત ટેક્સ છે. જો કોઈની પાસે ૧૦૦ મિલિયનની નેટવર્થ છે અને જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તે તેના બાળકોને ફક્ત ૪૫ ટકા જ આપી શકે છે. ૫૫ ટકા સરકાર દ્વારા પડાવી લેવામાં આવે છે. આ એક રસપ્રદ નિયમ છે. તે કહે છે કે તમે તમારી પેઢીમાં સંપત્તિ બનાવી અને હવે તમે જતા રહ્યા છો, તમારે તમારી સંપત્તિ જનતા માટે છોડી દેવી જોઈએ. જોકે સંપૂર્ણપણે નહીં, માત્ર અડધા. મને આ ન્યાયી કાયદો ગમે છે.

તેમણે વધુમાં ઉમેર્યું, ’જો કે, ભારતમાં તમારી પાસે તે નથી. જો કોઈની સંપત્તિ ૧૦ અબજ છે અને તે મૃત્યુ પામે છે, તો તેના બાળકોને ૧૦ અબજ મળે છે અને જનતાને કંઈ નથી મળતું. તેથી લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. મને ખબર નથી કે અંતિમ પરિણામ શું આવશે, પરંતુ જ્યારે આપણે સંપત્તિના પુન:વિતરણની વાત કરીએ છીએ, ત્યારે અમે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરીએ છીએ જે લોકોના હિતમાં છે અને માત્ર અતિ સમૃદ્ધ લોકોના હિતમાં નથી.’

પિત્રોડાએ કહ્યું કે, ’આ પોલિસીનો મુદ્દો છે. કોંગ્રેસ પાર્ટી એવી નીતિ બનાવશે જેના દ્વારા સંપત્તિની વહેંચણી વધુ સારી રીતે થાય. અમારી પાસે લઘુત્તમ વેતન (ભારતમાં) નથી. જો દેશમાં લઘુત્તમ વેતન હોય અને કહેવામાં આવે કે આટલા પૈસા ગરીબોને આપો તો આ સંપત્તિની વહેંચણી છે. આજે, શ્રીમંત લોકો તેમના પટાવાળા અને નોકરોને પૂરતો પગાર આપતા નથી, પરંતુ તેઓ તે પૈસા દુબઈ અને લંડનમાં રજાઓ પર ખર્ચ કરે છે. અમારી પાસે હજુ સુધી કોઈ લઘુત્તમ વેતન કાયદો નથી.તેમણે વધુમાં કહ્યું કે જ્યારે તમે પૈસા વહેંચવાની વાત કરો છો તો એવું નથી કે તમે ખુરશી પર બેસીને કહો છો કે મારી પાસે આટલા પૈસા છે અને હું બધાને વહેંચીશ. આવું વિચારવું મૂર્ખતા છે. જો કોઈ દેશના વડાપ્રધાન આવું વિચારે છે તો તેનો અર્થ એ છે કે મને તેમના મનની થોડી ચિંતા છે. તે આગળ કહે છે કે તમે ખરેખર સંપત્તિના પુન:વિતરણના નીતિ વિષયક મુદ્દાઓ સાથે કામ કરી રહ્યા છો અને જ્યારે તમે ડેટા માટે પૂછો છો, ત્યારે તમે ખરેખર આજે વિતરણ શું છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છો.

સેમ પિત્રોડાએ કહ્યું કે અમારી પાસે આ બધાનો સારો ડેટા નથી. મને લાગે છે કે નીતિ વિષયક મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે અમને ડેટાની જરૂર છે. અમને પૈસાની વહેંચણી માટે ડેટાની જરૂર નથી. અમને વધુ નીતિ મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે ડેટાની જરૂર છે.મહત્વનું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સતત દેશના લોકોની સંપતિના સર્વેની વાત કરી રહ્યા છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ આ વાત કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું છે કે, સર્વે બાદ સંપતિની ફરીથી વહેંચણી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના આ ચૂંટણીલક્ષી વાયદા પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, કોંગ્રેસ મહિલાઓના મંગળસૂત્ર છીનવવા માંગે છે.ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ પીએમ મોદીના પ્રોપર્ટી ડિસ્ટ્રિબ્યુશન સ્ટેટમેન્ટ પછી વારસાગત કરને લઈને તેમની ટિપ્પણીથી ભારતીય રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. પાર્ટીએ ખુદ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના ભારતમાં ’હેરિટન્સ ટેક્સ’ લાદવાની માગણી કરતા નિવેદનથી દૂરી લીધી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે બુધવારે કહ્યું કે સામ પિત્રોડાને ખુલ્લેઆમ અને મુક્તપણે પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. પરંતુ એ જરૂરી નથી કે પિત્રોડાના મંતવ્યો કોઈપણ મુદ્દા પર કોંગ્રેસનો પક્ષ હોય. ક્યારેક તેઓ નથી.

પિત્રોડાના આ નિવેદન અંગે જયરામ રમેશે એક પોસ્ટમાં કહ્યું હતું કે, લોકશાહીમાં લોકોને તેમના અંગત મંતવ્યો વિશે ચર્ચા કરવાનો અને વ્યક્ત કરવાનો અધિકાર છે પીએમ મોદીના દૂષિત ચૂંટણી પ્રચાર પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.