મોસ્કો પર ડ્રોન એટેક, બીજા વિશ્ર્વયુદ્ધના નાઝી આક્રમણ બાદ સૌથી પ્રચંડ હુમલા

યુક્રેન અને રશિયા વચ્ચે જારી યુદ્ધ હવે રશિયન પાટનગર મોસ્કો સુધી પહોંચી ગયું છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર ડ્રોન હુમલા શરૂ કર્યા છે. તેના જવાબમાં મંગળવારે વહેલી પરોઢે યુક્રેને સૌથી મોટી જવાબી કાર્યવાહી કરીને રશિયાની રાજધાની મોસ્કોમાં આઠથી પણ વધારે ડ્રોન હુમલા કર્યા હતા. મોસ્કોમાં રહેવાસી વિસ્તારોમાં યુક્રેન તરફથી પણ પ્રથમ વખત હુમલા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે આ હુમલાના કારણે કેટલીક ઇમારતોને નુક્સાન થયું છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે હુમલામાં નુક્સાનગ્રસ્ત થયેલી બે ઇમારતોમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. રશિયન સૂત્રોએ કહ્યું છે કે હુમલા કરનાર ડ્રોન કીવ તરફ મોકલવામાં આવ્યા હતા. જોકે, તમામને ફૂંકી મારવામાં આવ્યા છે. આ બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન નાઝી હુમલા બાદ મોસ્કો પર કરાયેલો સૌથી ભીષણ અને મોટો હુમલો છે.

રશિયાએ યુક્રેનની રાજધાની કીવમાં મંગળવારે વહેલી પરોઢે હુમલા કર્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કીવ પર રશિયાએ ત્રીજી વખત હુમલો કર્યો છે. આકાશમાં રશિયન ડ્રોન અને ભીષણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. કીવના સૈન્ય અધિકારીઓએ કહ્યું છે કે શરૂઆતી આંકડા મુજબ કીવનાં વિમાની ક્ષેત્રમાં હવાઇદળના જવાનોએ ૨૦થી વધુ શાહિદ ડ્રોન ( ઇરાની ડ્રોન)ને ફૂંકી માર્યા છે. યુક્રેનની સેનાએ કહ્યું છે કે, રશિયન દળોએ કીવ પર સવારે ૧૧ વાગે બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો ઝીંકી હતી.

અમેરિકન સાંસદ લિન્ડસે ગ્રાહમે રશિયન જવાનોનાં મોત પર ખુશી વ્યક્ત કર્યા બાદ રશિયા ભારે નારાજ છે. રશિયાએ તેમની સામે ધરપકડ વોરંટ જારી કરી દીધું છે. ગ્રાહમ સાઉથ કેરોલિના સ્ટેટથી રિપબ્લિકન પાર્ટીના સાંસદ છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે, કોઇ દેશ માટે આનાથી વધુ શરમની વાત કોઇ હોઇ શકે નહીં. જેમની પાસે ગ્રાહમ જેવા સાંસદ છે.

રશિયન રાષ્ટ્રપતિ પુટિન અને તેમના અન્ય અધિકારીઓને દક્ષિણ આફ્રિકી સરકારે એ વખત માટે રાજકીય છૂટછાટ આપી દીધી છે જ્યારે તેઓ આ વર્ષે બ્રિક્સ સંમેલનમાં સામેલ થશે. હકીક્તમાં પુટિન અને અન્ય અધિકારીઓને આપવામાં આવેલી રાજકીય છૂટછાટ તેમની વ્યક્તિગત ધરપકડ અથવા તો નજરબંધીથી બચાવે છે.