મોડાસામાં મંત્રીના પુત્રોએ કાયદો હાથમાં લીધો:સ્કૂટી પર જતા યુવકને ઢીબી નાખ્યો, થોડા દિવસ પહેલાં રિક્ષાચાલકે ભીખુસિંહના પૌત્રને માર માર્યો હતો, બંને વીડિયો વાઇરલ

અરવલ્લી જિલ્લામાં મંત્રીના પુત્રોએ કાયદાને હાથમાં લીધો હતો, જેમાં તેમણે સ્કૂટી પર આવતા બે લોકો પૈકી એકને જાહેરમાં ઢીબી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ રિક્ષાચાલક યુવકે સાઇડ આપવા બાબતે મંત્રીના પૌત્ર સાથે બબાલ કરી તેને માર માર્યો હતો. હાલ આ બંને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે.

મોડાસામાં મંત્રી ભીખુસિંહના પૌત્ર પર હુમલો આજકાલ અસામાજિક તત્ત્વો બેફામ બન્યાં હોવાની અનેક ઘટનાઓ સામે આવે છે. મોડાસામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પરિવાર સાથે જોડાયેલી મારામારીની બે અલગ-અલગ ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. પહેલી ઘટનામાં મંત્રીના પૌત્ર પર હુમલો થયો હતો, જ્યારે બીજી ઘટનામાં મંત્રીના પુત્રોએ વળતો પ્રહાર કર્યો હતો.

મળતી માહિતી મુજબ, 17મી ફેબ્રુઆરીએ સવારે 10:30 વાગ્યે મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારનો દીકરો એક્ટિવા પર જઈ રહ્યો હતો. આ દરમિયાન રોંગ સાઈડમાં આવી રહેલા રિક્ષાચાલક સાથે સાઈડ આપવા બાબતે તકરાર થઈ હતી. જોકે આ બબાલ ગંભીર બનતાં રિક્ષાચાલક યુવાને મંત્રીના પૌત્ર પર જાહેરમાં હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

CCTVમાં જોઇ શકાય છે કે રોડની સાઇડમાં એક તરફ બાઇક અને રિક્ષા પડી છે, જ્યાં બે લોકો બાઇક પાસે ઊભા છે. એ દરમિયાન એક યુવાન આવે છે અને અચાનક બોલાચાલી શરૂ થઇ જાય છે, ધીરે ધીરે આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને રિક્ષાચાલક યુવાન મંત્રીના પૌત્રને જાહેરમાં માર મારે છે. ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્રિત થઇ જાય છે.

આ ઘટનાની જાણ મંત્રીના પુત્રોને થાય છે, જેથી મંત્રીના બંને પુત્ર કિરણસિંહ અને રણજિતસિંહ પોતાના દીકરા પર હુમલો કરનારી વ્યક્તિને શોધી કાઢે છે. એ બાદ આ રિક્ષાચાલક પર વળતો હુમલો કરે છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

બીજા વીડિયોમાં જોઇ શકાય છે કે બે વ્યક્તિ સ્કૂટી પર જતી હોય છે. એ દરમિયાન મંત્રીના બંને પુત્ર અને અન્ય કેટલાક લોકો મળીને આ યુવકને રોકે છે. એ બાદ અચાનક સ્કૂટીચાલક યુવકને વાળ પકડીને બે-ત્રણ ફડાકા ઝીંકી દે છે, તેને સ્કૂટી પરથી નીચે ઉતારી માર મારવા લાગે છે, જેમાં એક વ્યક્તિ તેની ટીશર્ટ પકડી રાખે છે, તો અન્ય એક વ્યક્તિ લાકડી વડે તેને ફટકારે છે. આ દરમિયાન અન્ય કેટલાક લોકો પણ એક ગાડીમાંથી લાકડીઓ લઇને આવે છે અને યુવકને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે. આમ, સમગ્ર વીડિયોમાં યુવકને ઢોરમાર મારતા હોય એવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

નોંધપાત્ર બાબત એ છે કે આ બંને ઘટના સંદર્ભે હજુ સુધી કોઈ પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી નથી. બંને પક્ષ તરફથી મારામારીના વીડિયો સામે આવ્યા છે, પરંતુ કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ નથી.