મોરવા(હ)ના અંતરિયાળ કેલોદ ગામે પાનમ નદી માંથી ગેરકાયદેસર રેતી ખનનને રોકવામાં તંત્ર નિષ્ફળ

કેલોદ ગામ પાનમ નદી માંથી ચાલતા રેતી ખનનના વ્યવસાયને સરપંચ અને તાલુકા પંચાયત પ્રમુખનો છુપો આર્શિવાદ

મોરવા(હ),
મોરવા(હ) તાલુકાના અંતરિયાળ વિસ્તાર કેલોદ ગામે પાનમ નદી માંથી ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે બેફામ રેતીનંું ખનન કરી રહ્યા છે. આવા ખનિજ માફિયા સામે ખાણ-ખનિજ વિભાગ કે સ્થાનિક તંત્ર કાર્યવાહી નહિ કરતંા આવા ખનિજ માફિયાઓ ઉપર તંત્રની રહેમનજર હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે.

પંચમહાલ જીલ્લામાં ખનિજ ચોરી કરતાં ખનિજ માફિયાઓ બેફામ બની રહ્યા છે. ખનિજ ચોરી કરતા તત્વોને તંત્રનો ડર રહયો નથી. મોરવા(હ) તાલુકાના અંતરિયાળ વિસ્તારના કેલોદ ગામ પાસેથી પસાર થતી પાનમ નદી માંથી છેલ્લા લાંબા સમય થી ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. પાનમ નદીના પટ માંથી ખુલ્લેઆમ ચાલતા રેતી ખનનની કામગીરીને રોકવા માટે ન તો ખાણ-ખનિજ વિભાગ કાર્યવાહી કરવામાં રસ દાખવે છે ન સ્થાનિક તંત્ર આવા ગેરકાયદેસર રેતી ખનનને ડામવા પ્રયત્ન કરે છે. જેને લઈ ખનિજ માફિયાઓ બેફામ બનીને રેતી ખનન કરીને સરકારી તિજોરીને લાખો રૂપીયાનું નુકશાન કરી રહ્યા છે. કેલોદ ગામે પાનમ નદી માંથી રેતી ખનન કરતા વાહનો મોરવા(હ) તાલુકા પંચાયતના પ્રમુખ અને ગ્રામ પંચાયત કચેરી સામેથી પસાર થતી હોય છે. છતાં ગામના સરપંચ કે તલાટી દ્વારા આવા ગેરકાયદેસર રેતી ખનન ને રોકવામાં આવતી નથી. કેલોદ ગામના ગ્રામજનો અને અન્ય વિસ્તારના લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે, કેલોદ ગામના સરપંચ અને તાલુકા પ્રમુખ પણ રેતી ખનન પ્રવૃતિને વેગ આપી રહ્યા છે. પાનમ નદી માંથી સરકારને કોઈપણ જાતના પરમીટ વગર રેતી ખનન કરીને વગર મૂલ્યે લખોપતિ બનવાનો રેતી ખનનના વ્યવસાય છે. તેમાં પણ સ્થાનિક તંત્ર અન ખાણ-ખનિજ વિભાગની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર રેતી ખનનનો વ્યવસાય ફુલોફાલ્યો છે. ખનિજ માફિયાઓને ગેરકાયદેસર રેતી ખનનની લાખોની કમાણી થઈ રહી છે. કેલોદ ગામ અને આ વિસ્તારના ગ્રામજનો પાનમ નદી માંથી ચાલતા ગેરકાયદેસર રેતી ખનનને રોકવા તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી છે.

મોરવા(હ)ના કેલોદ ગામે પાનમ નદીના પટ માંથી ખનિજ મફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. પાનમ નદી માંથી રેતી ભરેલ વાહનો પંચાયત કચેરી સામે થી પસાર થાય છે. તેમ છતાં સરપંચ કે તલાટી દ્વારા આવા વાહનો સામે કાર્યવાહી કરાતી નથી. મોરવા(હ) તાલુકા પ્રમુખના ઘર આગળની રેતીના વાહનો પસાર થતા હોય છે પરંતુ આવા ગેરકાયદેસરના રેતી ખનનને ડામવા કાર્યવાહી થતી નથી. જેને લઈ ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહી છે કે, રેતી ખનનના વ્યવસાયમાં સરપંચ અને તાલુકા પ્રમુખ સામેલ છે. તેના કારણે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી.