મોરવા(હ) તાલુકામાં રાત્રે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ.

મોરવા(હ),પંચમહાલ જીલ્લાના કેટલાક વિસ્તારોમાં દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં દીપડાઓ માનવ વસાહતમાં આવી ચડી હુમલાઓ કરતા હોવાની ઘટનાઓ હોવી સામાન્ય બની રહી છે. ખેડૂતો ખેતરોમાં જતા એક પ્રકારનો ડર અનુભવી રહ્યા છે.

ત્યારે ગત રાત્રે જીલ્લાના મોરવા હડફ તાલુકામાં પણ રાત્રે દીપડો જોવા મળ્યો હતો.મોરવા હડફ તાલુકાના ડાંગરિયા ગામે એક ખેતરના શેઢે આરામ ફરમાવી રહેલો દીપડો જોવા મળ્યો હતો. ખેતરની નજીકમાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે આ દીપડો જોયો હતો અને તેને મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. કાર ચાલકે કાર દીપડા સામે લઈ જતા આરામ ફરમાવી રહેલો દીપડો ઉભો થઇ જંગલ વિસ્તાર તરફ ભાગી છૂટ્યો હતો. મોરવા હડફના ડાંગરીયા વિસ્તારમાં જોવા મળેલ આ દીપડાએ હજી કોઈને નુકશાન પહોચાડ્યું હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ લોકોમાં એક પ્રકારનો ભય ઉભો થયો છે.