મોરવા(હ)ના સાલિયા ઓવરબ્રિજ પાસે ટોલ રોડની હદમાં દબાણો દુર કરવાનુ જણાવતા ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર હુમલો

શહેરા, મોરવા(હ)તાલુકાના સાલીયા(સંતરોડ)ઓવરબ્રિજ પાસે રોડની હદમાં થયેલા લારી-ગલ્લાના દબાણને હટાવવા સમજાવતા ભથવાડા ટોલ પ્લાઝાના રૂટ મેનેજર સહિત ત્રણ વ્યકિતઓ સાથે મારામારી કરી ટોલ પ્લાઝાની બે બોલેરો ગાડી પર ગામના 11 શખ્સોએ પથ્થરમારો કરી ગાડીઓને નુકસાન પહોંચાડ્યુ હતુ.

અમદાવાદ-ઈન્દોૈર નેશનલ હાઈવે ઉપર ભથવાડા ટોલ પ્લાઝા ખાતે રૂટ મેનેજર તરીકે ફરજ બજાવતા અને ગોધરા શહેરના આશ્રય બંગ્લોઝ સોસાયટીમાં રહેતા અતુલકુમાર દયાશંકર યાદવ નેશનલ હાઈવે નં-47 ઉપર ગોધરા-પરવડી ચોકડીથી દાહોદ ખંગેલા એમ.પી.બોર્ડર સુધી ઈમરજન્સી સર્વિસ તેમજ રોડની બંને બાજુ 30 મીટર દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરાવવાની તેમજ હાઈવે ઉપર સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરવાની કામગીરી કરે છે. આજે તેઓ ટોલ પ્લાઝાના પ્રોજેકટ મેનેજર આશિષ વિજયભાઈ તેમજ સ્ટાફ સાથે પરવડી ચોકડી તરફ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન સંતરોડ ઓવરબ્રિજ નીચે કેટલાક લોકોએ બ્રિજની આજુબાજુ રોડની હદમાં લારી-ગલ્લા મુકી દીધા હોય ટોલ પ્લાઝાના મેનેજર તેમજ સ્ટાફે વેપારીઓને લારી-ગલ્લા રોડની હદમાંથી હટાવી લેવા સમજાવી રહ્યા હતા. તે સમયે સાલીયા(સંતરોડ)ના મનોફ ઉર્ફે તેતરી પ્રતાપભાઈ રાવળ, અજયભાઈ ઉર્ફે દાસ પ્રતાપભાઇ રાવળ, અક્ષય ગોપાલદાસ મોરે, વિનોદ પ્રતાપભાઈ રાવળ, જશવંત ઉર્ફે જેકી પ્રભાતભાઈ રાવળ, તેમજ સમરતબેન તથા અન્ય પાંચેક શખ્સોએ ભેગા થઈ લાકડી તેમજ પથ્થરો લઈ ગાળો બોલી અમે અહિંથી લારી ગલ્લા હટાવવાન નથી તમારાથી થાય તે કરી લો…તેમ કહી મારી નાંખવાની ધમકી આપતા ટોલ પ્લાઝાના સ્ટાફે તેઓને સમજાવતા ટોળાએ ઉશ્કેરાઈ જઈ રૂટ મેનેજર અતુલકુમાર તેમજ તેમની સાથેના રજતસિંહ રાજીવકુમાર અગ્રવાલ, અમરકુમાર રામરાધવ ઝા ને પકડી લાકડીઓ વડે માર મારવા લાગ્યા હતા. તેમજ તેમની બે પીકઅપ ગાડીઓ ઉપર પથ્થરમારો કરી લાકડીઓ તેમજ સળિયા વડે તોડફોડ કરી ગાડી સળગાવી દેવાની ધમકી આપી હતી. જેમાં રૂટ મેેનેજર સહિત ટોલ પ્લાઝાના બે કર્મચારીઓને ઈજાઓ થતાં મોરવા(હ)સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર બાબતે અતુલકુમારે 6 વ્યકિતઓ સામે નામજોગ તેમજ અન્ય પાંચ ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની સામે ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.