ગોધરા, મોરવા(હ)ના રામપુર ગામના આધેડની અંદાજિત સાડા ત્રણ વર્ષ બાદ પરિવારને ભાળ મળતા પરિવારજનોમાં ખુશી વ્યાપી છે. માનસિક અસ્વસ્થ આધેડને રાજસ્થાનના અજમેર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો ત્યાંથી પરત આવતા ભુપતસિંહ રણુંજાથી વિખુટા પડી ગયા હતા.
કલકત્તાની એક સામાજિક સંસ્થાએ સેવાકિય પ્રવૃત્તિ દરમિયાન ભુપતભાઈની ઓળખ માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા વીડિયો થકી આખરે ભુપતભાઈના સ્વજનોનો સંપર્ક થયો છે જેથી આગામી દિવસોમાં ભુપતભાઈ પોતાના વતનમાં લાવવા માટે સ્વજનો પ્રયાસ કરી રહ્યા છે.
મોરવા(હ)ના રામપુર ગામના ભુપતસિંહ પટેલ માનસિક અસ્વસ્થ હોવાથી તેઓના સ્વજનો અંદાજિત સાડા ત્રણ વર્ષ પુર્વે રાજસ્થાન ખાતે આવેલ અજમેર શરીફ દરગાહ ખાતે સારવાર માટે લઈ ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે ભુપતભાઈ અને સ્વજનો રણુજા દર્શને ગયા હતા. જયાં સ્વજનોએ જમવા બેઠા હતા ત્યારે ભુપતભાઈ લધુશંકાએ જવાનુ જણાવ્યા બાદ ત્યાંથી વિખુટા પડી ગયા હતા. જેથી પરિવારજનોએ ભુપતભાઈની આજુબાજુમાં ભારે શોધખોળ આદરી હતી. પંદર દિવસ ઉપરાંત સુધી રણુજામાં રોકાણ કરી ભુપતસિંહને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ જ સઘડ મળ્યો ન હતો. બનાવ અંગે મોરવા(હ)પોલીસમાં જાણ કરી હતી. બીજી તરફ કાળને લઈ લોકડાઉન થતાં ભુપતભાઈની શોધખોળ પરિવારજનોને નાછુટકે પડતી મુકવી પડી હતી. પરંતુ આ સ્થિતિ વચ્ચે પણ ભુપતભાઈના માતાએ પોતાનો પુત્ર ચોકકસ પરત ધરે આવશે એવી અતુટ શ્રદ્ધા રાખી હતી. જયારે અન્ય સ્વજનોએ ભુપતભાઈ હવે ફરી કયારેય મળી શકશે નહિ એમ વિચારી લીધુ હતુ. ત્યાં અચાનક જ બે દિવસ અગાઉ કલકત્તાની ડિપ્રેસીઓ રીફીલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેરમાં ફરતા માનસિક અસ્વસ્થ જણાતા વ્યકિતઓની સેવાકિત પ્રવૃત્તિ દરમિયાન ભુપતભાઈનો સંપર્ક થયો હતો. જેથી સંચાલકોએ ભુપતભાઈ સાથે વાતચીત કરી તેઓની ઓળખ છતી કરવાના પ્રયાસના ભાગરૂપે વીડિયોગ્રાફી કરી હતી. જે વીડિયો સોશિયલ મીડિયાના માઘ્યમથી ભુપતભાઈના સ્વજનો સંપર્ક કરવા માટે સંસ્થાએ પ્રયાસ કર્યો હતો.આ પ્રયાસમાં આખરે પરિવારજનોને ભુપતભાઈ કલકત્તા ખાતે હોવાની જાણકારી થઈ હતી. અને મોબાઈલ નંબરના આધારે સરપંચ ગુમાનસિંહ બારીયા સહિત સ્વજનો ભુપતભાઈને ધરે લાવવા માટે કલકત્તા જવાની તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં સરકાર મદદરૂપ થાય એવી પણ તેઓ અપેક્ષા વ્યકત કરી રહ્યા છે.