મોરવા(હ)ના દેલોચ ગામે છકડો પલ્ટી જતાં બાળકી અને મહિલાનુ મોત

શહેરા,મોરવા(હ)તાલુકાના મોરા રોડ ઉપર આવેલ દેલોચ નજીક છકડો પલ્ટી ખાતા છકડામાં સવાર 56 વર્ષિય મહિલા અને 4 વર્ષની બાળકીને ગંભીર ઈજાઓ થતાં બંનેનુ મોત નીપજયું હતુ.

શહેરા તાલુકાના જુની સુરેલી ગામે રહેતા અમરસિંહ ધામાભાઈ વણઝારાની બહેન નામે સીતાબેન શ્રવણભાઈ વણઝારા તેઓની ભાણી અનીતાના ધરે મહેમાન તરીકે ગયા હતા ત્યાં મોરવા(હ)તાલુકાના વનેડા ગામેથી તેઓની પુત્રી દક્ષા અને જીયાંશીને મુકવા જતાં હતા. તે દરમિયાન મોરવા(હ)ના મોરા રોડ પર આવેલા દેલોચ ગામ નજીક છકડા ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા છકડો પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડામાં સવાર સીતાબેન શ્રવણભાઈ વણઝારા(ઉ.વ.56, રહે.જુની સુરેલી વણઝારા ફળિયુ)ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે નાની બાળકી જીયાંશી વિપુલભાઈ વણઝારા (ઉ.વ.4, વનેડા, કોતર ફળિયુ, તા.મોરવા(હ)ને ગંભીર ઈજાઓ થઈ હતી. જેને લઈ ગંભીર રીતે બંને ઈજાગ્રસ્તોને 108 મારફતે મોરા સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જયાં હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. તે બાદ સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ પામેલ બંનેના મૃતદેહને પી.એમ.માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે છકડો ચાલક સ્થળ ઉપર છકડો મુકી ભાગી ગયો હતો. ત્યારે આ સમગ્ર બાબતે મોરવા(હ)પોલીસ મથકે છકડા ચાલક સામે ફરિયાદ નોંધાવવા પામી છે.