મોરવા(હ), ગોધરા તાલુકાના પીપળીયા પૂર્વ ગામે રહેતો કનેશ બળવંતભાઈ પટેલ મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે આવેલા ડામોર ફળિયામાં રહેતા પોતાના ફુવા વિક્રમભાઈ ડામોરના ઘરે ગત 27 તારીખે બપોરના સમયે આવ્યો હતો. જ્યાં રાત્રિ રોકાણ કરવાનું હોવાથી રાત્રીના સમયે કનેષ પટેલ પોતાના ફુવાના ઘરઆંગણે ઊભા ઊભા પોતાની માતા સાથે વાત કરી રહ્યો હતો. જે અરસામાં કનેશ પટેલના ફૂવાના ભાઈ પંકજભાઈ ડામોર આવ્યા હતા અને જણાવ્યું હતું કે, તું અહીંયા કેમ આવ્યો છે, તું તારા ઘરે જતો રહે તેમ કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેને લઇને કનેશ પટેલે અપશબ્દો બોલવાની ના પાડતા પંકજભાઈ ડામોર ઉશ્કેરાઈ ગયા હતા અને કાનેશને પકડીને ગડદાપાટુંનો માર માર્યો હતો અને પોતાના હાથમાં રહેલું ચપ્પુ પેટમાં મારી દીધું હતું. આ ઘટનાની જાણ થતા અન્ય સબંધીઓ આવી હતા. પંકજભાઈ ડામોર જાનથી મારી નાંખવાની ધમકી આપીને નાશી છૂટયા હતા. હુમલામાં ઘવાયેલા કનેશ પટેલને સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સંદર્ભે મોરવા હડફ પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.