
- જીલ્લાના નાગરિકોને સંકલ્પ યાત્રા થકી વધુમાં વધુ યોજનાકીય લાભો લેવા અનુરોધ કરતા ધારાસભ્ય નિમિષાબેન સુથાર.
ગોધરા,મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિમાં મોરવા હડફ તાલુકાના કેલોદ ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે ફિલ્મ નીહાળી ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા શપથ લીધા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન સુથારે જણાવ્યું કે, સરકાર નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતિત રહી છે. છેવાડાના માનવીને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ આવરીને લોકોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે રાજ્ય સરકારે મહત્વના પ્રયાસો કર્યાં છે. તેમણે જીલ્લાના નાગરિકોને સંકલ્પ યાત્રા થકી વધુમાં વધુ યોજનાકીય લાભો લેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં “ધરતી કહે પુકાર” અંતર્ગત બાળકોએ નુકકડ નાટક પ્રસ્તુત કરીને પ્રાકૃતિક કૃષિ અપનાવી પર્યાવરણના રક્ષણ માટે ગ્રામજનોને જાગૃત કર્યા હતા. લાભાર્થીઓએ પણ આ પ્રસંગે સરકારી યોજનાના લાભથી પોતાના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની સફળ વાર્તા “મેરી કહાની, મેરી જુબાની” કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી.

આ સાથે મહાનુભાવો તથા ગ્રામજનોએ વાનગી નિદર્શન સ્ટોલ ખાતે આંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સમાંથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવાની પદ્ધતિ જાણી હતી. ઉપરાંત,નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. આ તકે ધારાસભ્યના હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાયના વિતરણ કરાઈ હતી.

આ પ્રસંગે મામલતદાર,તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા હેલ્થ અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ, આંગણવાડી બહેનો, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.