મોરવાહડફ બેઠકના ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી નિમિષાબેન સુથારે પોતાનું ઉમેદવારી પત્ર રજુ કર્યું

ગોધરા,
પંચમહાલની મોરવાહડફ બેઠકના ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી નિમિષાબેન સુથારે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યું હતું. 11.44 નું શુભ મુહૂર્ત સાચવવા માટે નિમિષાબેને સભા અને રેલી પહેલા જ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. નિમિષાબેન સુથારની સભામાં ખૂબ મોટી સંખ્યા માં સમર્થકો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. સાથે જ પંચમહાલ અને મહીસાગરના સાંસદો, બંને જિલ્લા ના ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નિમિષાબેન સભા માં ઉપસ્થિત જંગી જનમેદની અને જન સમર્થન જોઈ ભાવુક થયા હતાં. એક સમયે નિમિષાબેનની આખો માંથી ભાષણ વખતે સતત અશ્રુધારા વહેતી હોય તેવા દ્રષ્યો પણ કેમેરા માં કેદ થયા હતા. પોતાના મતદારો સાથે લાગણીના સંબંધે જોડાયેલ હોઈ હ્યદય ભરાઈ આવ્યું હોવાનું નિમિષાબેને જણાવ્યું હતું. જનમેદનીમાં ઉપસ્થિત કેટલીક મહિલા ઓ પણ ભાવુક થઈ હતી. પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ પ્રતિક્રિયા આપતા નિમિષાબેને પોતાની પર પસંદગી ઉતારવા બદલ શીર્ષ નેતૃત્વ નો આભાર વ્યક્ત કર્યો હતો અને જંગી લીડ થી જીતવા નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.