મોરવા(હ)ના કેલોદના ગ્રામ પંચાયત કચેરી જર્જરીત નવિન પંચાયત માટે રજુઆત છતાં કાર્યવાહિ નહી

તંત્ર કોઇ હોનારતની રાહ જોઈ રહ્યું હોઈ તેવી સ્થિતી…

મોરવા(હ),
મોરવા હડફના કેલોદ ગામની ગ્રામ પંચાયત કચેરી ૩ વર્ષથી જર્જરિત હાલતમાં છે. કચેરીના છતમાંથી અવાર નવાર પોપડા પણ ખરી પડે છે. જેને લઈને કચેરી ખાતે કામઅર્થે આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામ પંચાયત ઘર નવીન બનાવામાં આવે તે માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી, સરપંચ તેમજ ગામના અગ્રણીઓની અનેક રજૂઆત કરાઈ હોવા છતાં હજુ સુધી નવીન બની નથી. ત્યારે તંત્ર શું અહી કોઈ મોટી ઘટના બને તેની તો રાહ નથી જોઈ રહયા કે શું ?

મોરવા હડફ તાલુકાના કેલોદ ગામની ગ્રામ પંચાયત કચેરી વર્ષો જૂની હોવાથી ૩ વર્ષથી જર્જરિત હાલતમાં છે. પંચાયત ઘર નવીન બને તે માટે તલાટી અને ગામના અગ્રણીઓએ તાલુકા પંચાયત કચેરી એ લેખિત અને મૌખિક રજૂઆત કરવામા આવી છે. ગ્રામ પંચાયત ઘરના છતના ભાગ પર પ્લાસ્ટર નીકળી જતા કાટ ખાઈ ગયેલા સળીયા દેખાતા સ્લેબ વધુ જોખમી બનવા સાથે છત પરથી અવાર નવાર પોપડા પણ પડી રહયા છે. ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી દિલીપસિંહ બારીઆ સહિતનો સ્ટાફ હાલ ભયના ઓથાર તળે તેમની ફરજ નિભાવી રહયા છે. પંચાયત ઘર જર્જરિત હાલતમાં હોવા સાથે છતનો સ્લેબ પણ જોખમી બનતો જઇ રહયો હોવા છતાં તાલુકા પંચાયત સહિતની સબંધિત કચેરીને અનેક રજૂઆત કરવા છતા તેમનું પેટનું પાણી કેમ હલતું નથી. જર્જરિત કચેરી હોવા છતાં તલાટી કમ મંત્રી દિલીપસિંહ ઉદેસિંહ બારીઆ પંચાયત ઘર ખાતે બેસીને ગામના અરજદારોની કામગીરી કરી રહયા છે. પંચાયત ઘર ખાતે કોઈ મોટી ઘટના બને પછી તંત્ર આ અંગે પોતાની જવાબદારી સ્વીકારશે ? કે પછી ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળા મારવા જેવી પરંપરાનું પુનરાવર્તન થશે આ જર્જરિત ગ્રામ પંચાયત કચેરીના મકાનને તોડી પાડીને નવું મકાન બનાવવા માટે તાલુકા પંચાયત સહિતની કચેરી દ્વારા વહેલામાં વહેલી તકે કોઈ યોગ્ય અને ઠોસ કદમ ઉઠાવવામા આવે તે અત્યંત આવશ્યક છે.

કેલોદ ગ્રામ પંચાયત પાછલા ત્રણ વર્ષથી જર્જરિત…

હાલતમાં હોવાથી તલાટી અને સરપંચ દ્વારા નવીન ગ્રામ પંચાયત બને તે માટે તાલુકા પંચાયત કચેરી ખાતે અનેક રજૂઆત કરાઈ છે.ચોમાસા મા કચેરી ના છત પરથી પાણી પણ વરસાદ શરૂ હોય ત્યારે ટપકતું હોય છે. તેના કારણે જ‚રી દસ્તાવેજો પલળી જવાની ભીંતિ રહેવા સાથે ગ્રામ પંચાયત ખાતે કામઅર્થે આવતા લોકો ને પણ આના કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે અહી કોઈ અણ બનાવ બને તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથધરે તેવી ગ્રામજનો માથી માંગ ઉઠી છે.

દિલીપસિંહ બારીઆ તલાટી ગ્રામ પંચાયત કેલોદ . . . .

ગ્રામ પંચાયત કચેરી ત્રણ વર્ષથી જર્જરિત હોવાથી તાલુકા પંચાયત કચેરી સહિત અન્ય કચેરી ખાતે અમે અનેક વખત રજૂઆત કરી છે. કાટ ખાઈ ગયેલા સળિયા પણ છત ની બહાર દેખાઈ રહયા છે. બીજી જગ્યા બેસવા માટે ના હોવાથી ના છૂટકે અહી બેસીને કામ કરૂ છું અમુક વખતે કામ કરી રહ્યા હોય ત્યારે છત પરથી પોપડા પણ પડતા હોય છે.