
રાજ્યના પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર શનિવારે જ મતદાન સંપન્ન થયું છે, ત્યારે ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાજપ ઉમેદવાર નિમિષાબેન સુથારને સામાન્ય લક્ષણો જણાંતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે. પેટાચૂંટણીમાં પ્રચાર દરમિયાન તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. આથી નિમિષાબેન કોરોનાના સુપર સ્પ્રેડર સાબિત થાય છે કે કેમ? તે તો આવનારો સમય જ બતાવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસોને જોતા મોરવા હડફ અને ગાંધીનગર મનપાની ચૂંટણીઓ રદ્દ કરવાની માંગ ઉઠી હતી. જો કે ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગરની ચૂંટણી રદ્દ કરી હતી, પરંતુ મોરવા-હડફની પેટાચૂંટણીમાં કોઈ ફેરફાર કર્યો નહતો.