
શહેરા,મોરવા હડફ તાલુકાના વેજમાં ગામ ખાતે મંગળવાર ની રાત્રીએ પવન સાથે આવેલા વરસાદથી 7 જેટલા ઘરોને નુકશાન પહોંચ્યું હતું. ધારાસભ્ય નિમિષાબેન સુથાર એ તાલુકા વિકાસ અધિકારીને સાથે રાખીને ગામની મુલાકાત લીધી હતી.

મોરવા હડફ તાલુકામાં મંગળવાર ની રાત્રીએ વાતાવરણમાં પલટો આવવા સાથે મેઘરાજાની ધમાકેદાર આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે પવન સાથે આવેલા વરસાદ થી તાલુકાના વેજમાં ગામ ખાતે રહેણાંક મકાનો ના છત પરના પતરા ઉડી જતા ઘર માલિકો ભારે ચિંતિત થઈ ઉઠયા હતા. આ ગામમાં 7 જેટલા ઘરોને નુકશાન થવાને લઈને ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકાના ભાજપ અગ્રણીઓએ અહીંની મુલાકાત લીધી હતી. પવન સાથે આવેલા વરસાદના કારણે 7 જેટલા ઘરોને નુકશાનને લઈને ધારાસભ્ય નિમિષાબેન સુથારે મળવાપાત્ર સહાય વહેલી તકે મળે તે માટે તાલુકા વિકાસ અધિકારીને જણાવ્યું હતું. જોકે, પવન સાથે આવેલા વરસાદના કારણે રાત્રિ દરમિયાન તાલુકાના અનેક વિસ્તારો માં અંધારપટ છવાઇ ગયો હતો.