મોરવા(હ), મોરવા હડફ ખાતે હોળી ફળિયામાં ચાડીયા નાં મેળા ની ઉજવણી કરવામાં આવી હતી. જે મેળામાં મોરવા હડફ ગામના જ બે ફળીયાના લોકો વચ્ચે હથિયારો લઈ રમવાની બાબતે મારામારી થવા પામી હતી. સમગ્ર મામલો મોરવા હડફ પોલીસ મથકે પહોંચ્યો. પોલીસે ફરિયાદ નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરવા હડફ ગામના દાંતિયા ફળિયા ખાતે રહેતા દલપત સિંહ બારીઆ એ મોરવા હડફ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તા.26 માર્ચના રોજ મોરવા હડફ ગામના હોળી ફળિયામાં ચાડીયાનો મેળો યોજાયો હતો. તેમાં તેઓ તેમજ અન્ય લોકો મેળામાં ગયા હતા. તે વખતે ગામના જ પંકજભાઈ આરતભાઈ, હસમુખભાઈ લક્ષ્મણભાઈ, નીતિન આરતભાઇ, મનોજ આરતભાઈ, લક્ષ્મણ મલાભાઈ અને આરતભાઈ મલાભાઈ તમામ રહે.મોરવાહડફ.જેઓ મેળામાં હાથમાં લાકડીઓ અને ધારિયું લઈ રમતા હતા.જેથી ફરિયાદી એ આ તમામને જણાવ્યું હતું કે, મેળામાં હાથમાં લાકડીઓ અને ધારિયું લઈ રમો નથી કોઈકને વાગી જશે. તેમ કહેતા તમામ આરોપીઓ ફરિયાદી તેમજ અન્યો ઉપર એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડીઓ વડે તેમજ છૂટા પત્થરો મારી ઇજાઓ પહોંચાડી હતી. તેમજ બીભત્સ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરાયો હતો. જેથી મોરવા હડફ પોલીસે આ મામલે ગુન્હો નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.