મોરવા(હ) વિધાનસભા પેટા ચુંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા

  • ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એ મોરવા(હ) મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યા
  • એકવાર ફરી પેટા ચુંટણીમાં ભાજપ તરફથી નિમિષાબેન સુથારને એક તક
  • ગણપતસિંહ વસાવાએ ડાંગમાં યોજાયેલી વિધાનસભા પેટા ચૂંટણી કરતાં વધુ ૭૫ હજાર મતથી વિજેતા થશે એવો આશા વ્યકત કરી
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા યુવા નેતા સુરેશભાઈ કટારાના નામ જાહેર કરાતા આદિવાસી સમાજમાં ખુશીની લ્હેર
  • મોરવા(હ) પેટા ચુંટણી ભાજપ અને કોંગે્રસના ઉમેદવારો વચ્ચે સીધી ટકકર

ગોધરા,મોરવા(હ) વિધાનસભાની પેટા ચુંટણી માટે ૧૭ એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. જેના માટે રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. સાથે આજરોજ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા મોરવા(હ) મામલતદાર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર જમા કરાવ્યા છે. જ્યારે બે અપક્ષ ઉમેદવારો મળી કુલ ૬ ઉમેદવારી ફોર્મ ભરાયા છે.

મોરવા(હ) વિધાનસભા બેઠક ઉપર ચુંટાયેલા ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટના સર્ટીફિકેટ મામલે કાનૂની વિવાદ સર્જાયો હતો અને કેસ કોર્ટમાં પડતર હતો. દરમ્યાન ભુપેન્દ્ર ખાંટનું અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. રાજ્ય ચુંટણી પંચ દ્વારા મોરવા(હ) બેઠક માટેની પેટા ચુંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. કોંંગ્રેસ પાર્ટી દ્વારા સુરેશભાઈ કટારાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આજરોજ મોરવા(હ) પેટા ચુંટણી માટે ફોર્મ ભરવાના ૩૦ એપ્રિલના રોજ અંતિમ દિવસ હતા. કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારા પેટા ચુંટણી માટે સમર્થકો સાથે મોરવા(હ) મામલતદાર કચેરી ખાતે ચુંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારે વિજય મુર્હુતમાં કોંગ્રેસના માજી સાંસદ ર્ડા. પ્રભાબેન તાવિયાડ અને માજી રેલમંત્રી નારણ રાઠવા સહિતના પદાધિકારીઓ સાથે ઉમેદવારી ફોર્મ જમા કરાવીને જીતનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

મોરવા(હ) વિધાનસભા પેટા ચુંટણી માટે ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે વિજય મુર્હુતમાં મામલતદાર કચેરી ખાતે ભાજપ સર્મથકો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ જમા કરવામાં આવ્યું હતું. ભાજપના નિમિષાબેન સુથાર દ્વારા ફોર્મ જમા કરવામાં આવ્યું હતું. ત્યારે રાજયમંત્રી બચુભાઈ ખાબડ, ગણપત વસાવા, જયદ્રથસિંહ પરમાર, ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, પંચમહાલ પ્રભારી પરાક્રમસિંહ જાડેજા તેમજ જીલ્લા બીજેપી પ્રમુખ હાજર રહ્યા હતા. ફોર્મ ભરીને નિમિષાબેન સુથાર દ્વારા જીતનો વિશ્ર્વાસ વ્યકત કરવામાં આવ્યો છે. મોરવા(હ) પેટા ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે ભાજપ અને કોંગે્રસના ઉમેદવારો વચ્ચે સીધી ટકકર જોવા મળશે.

હોળી તહેવારમાં ફાઈનલ ઉમેદવારના નામની જાહેરાત કરવાના ભાગ‚પે હોળીના દિવસે મોરવા(હ)તાલુકાના સાગાવાડા ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતા અને યુવા કોંગ્રેસ નેતા સુરેશભાઈ કટારાના નામ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતું. દિલ્હી રાષ્ટ્રીય સમિતિના અઘ્યક્ષ સોનીયા ગાંધીના હસ્તાક્ષર સાથે મોરવા(હ) પેટા ચુંટણીના ઉમેદવાર તરીકે સુરેશભાઈ કટારાનું નામ જાહેર થવાની સાથે આદિવાસી સમાજમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. આદિવાસી સમાજના પ્રતિનિધિ તરીકે યુવા ચહેરાને તક આપવામાં આવી હતી. જેના પગલે કોંગ્રેસ દ્વારા સત્તાવાર આદિવાસી ઉમેદવાર તરીકે સુરેશભાઈ કટારાના નામની ધોષણા કરવામાં આવતા આદિવાસી સમાજમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી.

મોરવા(હ) વિધાનસભાની ૨૦૧૩ની પેટા ચુંટણીમાં નિમિષાબેન સુથારનું મેન્ડેટ જાહેર કરીને ચુંટણી લડાવી હતી અને જીત પણ હાંસલ કરી હતી. ત્યારે આ વખતે ફરી એકવાર પેટા ચુંટણીમાં ભાજપ તરફથી મહિલા કેન્ડીડેટ એવા નિમિષાબેન સુથારને બીજીવાર ચુંટણી લડાવી જીતનો વિશ્ર્વાસ મૂકી ભાજપ દ્વારા કેબિનેટ મંત્રી ગણપત વસાવા, રાજયમંત્રી બચુભાઇ ખાબડ અને જયદ્રથસિંહ પરમાર સહિતની સમર્થકો સાથે નિમિષા સુથારે મામલતદાર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર જમા કરાવ્યું હતું. દરમિયાન ગણપતસિંહ વસાવાએ ભાજપના ઉમેદવાર થોડા સમય અગાઉ ડાંગમાં યોજાયેલી વિધાનસભા પેટા ચૂંટણી કરતાં વધુ એટલે ૭૫ હજાર મતની લીડથી વિજેતા થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પણ માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ,માજી રેલ મંત્રી નારણ રાઠવા સહિતની ઉપસ્થિતિમાં વાહનનો કાફલો લઈ મામલતદાર કચેરી પહોંચી ઉમેદવારી પત્ર જમા કરાવ્યું હતું. જેઓએ પણ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વખતની પેટા ચુંટણીમાં આ વિસ્તારના મતદારો અમારી સાથે છે. આ વિસ્તારના મતદારો સારી રીતે ભાજપને જાણી ચુક્યા છે. ભાજપ દ્વારા સત્તા મેળવવા માટે પ્રજાના વિકાસના કામો તાલુકાના વિકાસના કામોને બાજુમાં મુકીને માત્ર રાજકીય આંટીગુટીઓ રચીને આ વિધાનસભા બેઠકને નોંધારી રાખી કોઈ જ વિકાસ કર્યો કર્યા નથી.