
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે.ત્યારે હવે જયસુખ પટેલનો જેલવાસ વધુ લંબાશે. ગત સુનાવણીમાં હાઇકોર્ટે તમામ પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો.
આરોપી જયસુખ પટેલે તેના નિયમિત જામીન આપવા માટે કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી.જો કે આ વિનંતીને ગુજરાત હાઇકોર્ટે નામંજુર કરી છે.જયસુખ પટેલે હાઇકોર્ટ સમક્ષ જામીન આપવા માટે વિનંતી કરતા કહ્યું હતું કે, યોગ્ય શરત પર તેમને નિયમીત જામીન આપવામાં આવે. જયસુખ પટેલે ગત સુનાવણી દરમિયાન રજૂઆત કરતા કહ્યું હતું કે, મેં કોઈને જાણી જોઇને નથી માર્યા. મેં લોકોની સેવા કરવા માટે જ આ પ્રોજેક્ટ હાથ પર લીધો હતો. રાજ્ય સરકારના કહેવાથી જ આ પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો હતો.
આ તરફ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના સ્વજનોએ જયસુખ પટેલને જામીન આપવા સામે વિરોધ કર્યો હતો. મૃતકોના સ્વજનોએ આક્ષેપ કર્યો કે માત્ર પૈસા કમાવવાની લાલચમાં જ લોકોનો જીવ લેવાયો છે. આરોપીને જો જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરે કે સાક્ષીઓને ધમકાવે તેવી પણ શકયતા છે. આમ આરોપીને કોઈપણ રીતે જામીન નહીં આપવા માટે મૃતકોના સ્વજનો તરફથી રજૂઆત કરવામાં આવી હતી.