
મોરબી,
ભારતીય જનતા પાર્ટી મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને આ વખતે ચૂંટણીમાં લોટરી લાગી છે. ભાજપે મોરબી દુર્ઘટના બની ત્યારે નદીમાં કૂદીને અનેક લોકોની જિંદગી બચાવનાર નેતાને વિધાનસભાની ટિકિટ આપી છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં મોરબી પુલ દુર્ઘટના વખતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા માત્ર ટ્યૂબ પહેરીને પાણીમાં કૂદ્યા હતા. તેમણે અનેક લોકોની જિંદગી બચાવી હતી. એવું કહેવામાં આવે છે કે પહેલા તેઓ ટિકીટની યાદીમાં નહોતા, પરંતુ આ સાહસ કર્યા બાદ તેઓને બીજેપીએ ટિકીટ આપી છે.
મોરબી જિલ્લામાં કુલ ત્રણ વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીની વાત કરીએ તો, મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જોકે, બાદમાં કોંગ્રેસના ચૂંટાયેલા એક ધારાસભ્યો રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ચૂંટાયા પણ હતા. બ્રિજેશ મેરજાએ રાજ્યસભાની ચૂંટણી પહેલાં વર્ષ ૨૦૨૦માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. પક્ષપલટા અંગે બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે, ‘કોંગ્રેસની માનસિક્તા હવે બદલાવવા લાગી છે. કોંગ્રેસ હવે ખાબોચિયા જેવો પક્ષ બની ગયો છે. તેમાં રહીને લોક્સેવા થઇ શકે તેમ ન હોવાથી મારા અંતરઆત્માએ મને ઢંઢોળ્યો અને ભાજપમાં જોડાઇ ગયો.ત્યારબાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે આયાતી ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાને ટિકિટ આપી હતી. આ પેટાચૂંટણીમાં ભાજપના બ્રિજેશભાઈ મેરજાએ કોંગ્રેસના જયંતી પટેલને હરાવીને જીત મેળવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ બ્રિજેશભાઈ મેરજાની હાજરીનો ભાજપને ફાયદો થયો છે.