
મોરબી,
મોરબી ઝુલતા બ્રિજની દુર્ઘટના મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોરબી ઝુલતા બ્રિજની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત મામલે પોલીસની ચાર્જશીટમાં ૧૦મા આરોપી તરીકે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે આજે બપોરે સરેન્ડર કરી દીધું છે. પોલીસની ધરપકડથી બચવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયસુખ પટેલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કરી દીધું છે.
અજંતા ઓરેવા ગ્રુપ ઓફ કંપનીઝના એમડી જયસુખ પટેલ ઘડિયાળ, કેલ્ક્યુલેટર, હોમ એપ્લાયન્સીસ તથા એલઈડી બલ્બના ઉદ્યોગમાં જાણીતું નામ છે. તેમની કંપનીની ઘડિયાળો એક સમયે ભારતભરમાં ધૂમ મચાવતી હતી. બાદમાં તેમણે વારંવાર ચીનની મુલાકાત લઈને સીએફએલ અને એલઈડી લેમ્પના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. ફિલિપ્સ કંપની સામે તેમણે ખૂબ સસ્તા દામે ૧ વર્ષની ગેરન્ટી આપતા બલ્બ શરુ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં સીએફએલ તથા એલઈડી બલ્બમાં એક વર્ષની વોરન્ટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. તે સમયે ફિલિપ્સ તથા હેવેલ્સ જેવી કંપનીઓને જયસુખ પટેલે હંફાવી હતી. પરંતુ બલ્બમાં એક વર્ષની વોરન્ટી આપનારા ઓરેવા હેન્ગિંગ બ્રિજમાં કોઈ વોરન્ટી આપી ન શક્યા.
મોરબીમાં ૩૦ ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં ૧૩૫ લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ત્યારે ગત ૨૫મી જાન્યુઆરીએ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે.
મહત્વનું છે કે, ૩૦ ઓક્ટોબરના રોજ સાંજે મોરબીમા ઝૂલતો બ્રિજ નીચે પડ્યો હતો. બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તમામ લોકો નદીમાં નીચે પડ્યા હતા. ઝૂલતા બ્રિજના સમારકામ અને સંભાળવાની સમગ્ર જવાબદારી ઓરેવા કંપની પર હતી. ઓરેવા કંપનીની બેદરકારીથી બ્રિજ તૂટ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.