મોરબી , મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી. અગાઉ હાઇકોર્ટે જામીન આપવા ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે જામીન નામંજૂર કરતા મોરબી પુલ દુર્ઘટનનાઆરોપી જયસુખ પટેલે સુપ્રીમમાં જામીન માટે અરજી કરી.આગામી દિવસોમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. નોંધનીય છે કે જયસુખ પટેલ કંપનીના સ્ડ્ઢ છે. અને મોરબી ઝુલતા પુલના રીનોવેશન અને સંચાલનની કામગીરી કંપનીને સોંપવામાં આવી હતી.
બ્રિજ દુર્ઘટનાના મામલાની તપાસમાં કંપનીએ ગંભીર બેદરકારી દાખવતા આ કરુણ ટ્રેજેડી સર્જાઈ હોવાનું સામે આવ્યું. જે અંતર્ગત ઘટનાની તપાસ કરનાર SIT ના રિપોર્ટના આધારે કંપનીના એમડીને જવાબદાર ઠેરવતા જયસુખ પટેલની ધરપકડ કરાયા બાદ ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.વર્ષ ૨૦૨૨માં ૩૦ ઓક્ટોબરના રોજ મોરબીમાં મચ્છુ નદી પર આવેલ ઝુલતો પુલ તૂટી પડતા ૧૩૫થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સમયમાં દિવાળીની રજાનો માહોલ હોવાથી રીનોવેશન થયેલ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઝૂલતા પુલનું મેન્ટનન્સ અને મૅનેજમૅન્ટ કરનારી વ્યક્તિઓ અથવા તો એજન્સી પર પુલનું યોગ્ય રીતે મેન્ટનન્સ કે મૅનેજમૅન્ટ ના થતું હોવાની ફરિયાદ ઉઠી હતી. આ દુર્ઘટનાને લઈને મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાએ આરોપ મૂક્યો હતો કે ‘નગરપાલિકાની જાણ બહાર આ પુલનું ઉદ્ધાટન કરી દેવામાં આવ્યું, જેને કારણે તેનું સેટી ઑડિટ થયું નહોતું.’ ઘટનાની તપાસમાં સામે આવ્યું કે જે કૉન્ટ્રાક્ટરે ઝૂલતા પુલનું રિપેરિંગ કર્યું હતું તેમની પાસે આ પ્રકારની કામગીરી કરવાની યોગ્ય લાયકાત નહોતી.
ઝુલતો પુલ રીનોવેશન બાદ ખુલ્લો મૂકાયાના એક સપ્તાહથી પણ ઓછા દિવસમાં દુર્ઘટનાનો શિકાર થયો. અચાનક બ્રિજના કેબલ તૂટી પડતા લોકો પાણીમાં ગરકાવ થતા ૧૩૫થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. મોરબી બ્રિજ ટ્રેજેડી ઘટનાની તપાસમાં ઓરેવા કંપનીની બેદરકારી સામે આવતા કંપનીના એમડી જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી. જયસુખ પટેલની ઓરેવા કંપનીને મચ્છુ નદી પરના ૧૦૦ વર્ષ જૂના સસ્પેન્શન બ્રિજના નવીનીકરણ, સંચાલન અને જાળવણીનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. બ્રિજ ફરીથી ખુલ્લો મૂકાયા ચાર દિવસ પછી ૩૦ ઑક્ટોબરે તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનાને લઈને પોલીસે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સહિત બે મૅનેજરો અને સ્ટાફના અન્ય માણસો સહિત કુલ કુલ નવ લોકોની ધરપકડ કરી હતી. જો કે આ દુર્ઘટનામાં અટકાયત કરવામાં આવેલ ૯ લોકોમાંથી ૬ લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ૩ સુરક્ષા કર્મચારી, ૨ કલાર્ક અને ૧ મેનેજરનો સમાવેશ થાય છે. ત્યારે હવે હાઈકોર્ટે કંપનીના માલિક જયસુખ પટેલને જામીન આપવાનો ઇનકાર કરતા સુપ્રીમમાં અરજી કરી છે.