મોરબી, વાવાઝોડાને પગલે મોરબી જિલ્લામાં રાત્રિથી વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે. જેના પગલે મોરબી જિલ્લામાં વીજ સમસ્યા જોવા મળી હતી. જોકે પીજીવીસીએલ ટીમો સતત દોડી રહી છે અને ૭૫ ગામોમાં વીજ પુરવઠો પુન: શરુ કરી દેવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં રાત્રીના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાની ફરિયાદો મળી હતી. ભારે પવનને કારણે ૧૧૯ વીજપોલમાં નુકશાની થવા પામી હતી. જેથી વીજળી ગુલ થઇ હતી. જિલ્લાના ૭૫ ગામોમાં કુલ ૧૬૭ જેટલી કમ્પ્લેન મળી હતી અને વીજ તંત્રન ટીમો તુરંત કામગીરી કરી વીજ પુરવઠો પુન: કાર્યરત કરવા દોડધામ કરી રહી હતી. જેના પગલે ૭૫ ગામોમાં વીજ પુરવઠો ફરી શરુ કરી દેવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાના નવલખી બંદર ખાતે હવે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બંદર નજીક ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે રોડ પર વિજીબીલીટી ઘટી જવા પામી છે. તો બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ હાલ કાર્યરત જોવા મળે છે.મોરબીના બંધુનગર ગામ નજીક આવેલ સોલિટેર સેનેટરી વેરસ પ્રા.લી.કંપનીના માટીખાતાનો શેડ આજે વહેલી સવારે તૂટી ગયો હતો. સદનસીબે તે સમયે કોઈ હાજર ના હોવાથી જાનહાનિ ટળી હતી. જોકે માટીખાતાનો શેડ તૂટી પડતા ફેક્ટરીને નુકશાન થયાનું પ્રણવભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું. માટેલ રોડ પરની ક્રેવીટા ગ્રેનાઈટો ફેક્ટરીના પતરા તૂટી જતા નુકશાન થવા પામ્યું છે.
મોરબીના જુના સાદુળકા ગામ નજીક આવેલા મચ્છુ ૩ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. જેથી હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મચ્છુ ૩ ડેમના અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો હોવાથી ડેમનો ૧ દરવાજો ૦.૨૫ ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી ડેમના હેઠવાસમાં આવતા મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, સાદુળકા, માનસર, રવાપર (નદી), અમરનગર, નારણકા, ગુંગણ, નાગડાવાસ અને બહાદુરગઢ, સોખડા સહિતના ૧૧ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ માળિયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, ફતેપર, માળિયા અને હરીપર એમ નવ ગામો મળીને બંને તાલુકાના કુલ ૨૦ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં નદીના પટમાં નહીં જવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
મોરબી જિલ્લામાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે. જેથી ઠેર-ઠેર નુક્સાન થયાનું સામે આવી રહ્યું છે. જેમાં મોરબીના વીરપરડા રોડ પર આવેલ શ્રીશંકર પેટ્રોલીયમ નામના પેટ્રોલ પંપની છતને નુક્સાન થવા પામ્યું છે. ભારે પવન ફૂંકાતા છતને નુક્સાન થયું છે તેવી માહિતી પેટ્રોલ પંપના સંચાલક પાસેથી પ્રાપ્ત થઇ છે.
મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસરને પગલે ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં મોરબી નજીક આવેલ નવયુગ સંકુલ ખાતે મસમોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. તો વવાણીયા ગામ પાસે વરસાદ અને પવનને કારણે રોડ પર વૃક્ષ પડી ગયું હતું. જેથી વાહન વ્યવહાર રોકાઈ જતા વહીવટી તંત્ર ટીમ દોડી ગઈ હતી અને જેસીબી સહિતના સાધનોની મદદથી તુરંત વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તો મોરબીના નાની વાવડી ગામ નજીક સમજુબા સ્કૂલ પાસે એક ઝાડ પડી ગયું હતું. તે ઉપરાંત મોરબીના જેલ રોડ પર વૃક્ષ તૂટી પડ્યું હતું. તો નગરપાલિકા કચેરી સામે પણ એક ઝાડ પડી ગયું હતું. જેથી તંત્રએ તુરંત દોડી જઈને કામગીરી કરી હતી.