
મોરબી, મોરબીનો ઝુલતો બ્રિજ તૂટવાના કેસમાં એસઆઇટીનાં આંતરિક રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. મોરબી નગરપાલિકા અને ઑરેવા કંપનીની સંયુક્ત બેદરકારીના કારણે પુલ તૂટ્યો હોવાની પ્રાર્થમિક વિગતો સામે આવી છે. નગરપાલિકાના તમામ સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વિના ચીફ ઓફિસર, નગરપા. પ્રમુખ અને ઓરેવાં કંપનીનાં સંચાલકો વચ્ચે કરાર થયા હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
અત્યાર સુધીમાં ગુજરાત હાઇકોર્ટમાં બંને પક્ષોની દલીલોમાં સામે આવ્યુ કે ઓરેવા કંપની દ્વારા જે કામ થયુ તે નીચી કક્ષાનું કરાયુ છે. નગરપાલિકાના સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વિના કામ કરવામાં આવ્યુ હોવાનો અને કરાર થયો હોવાનું સામે આવ્યુ છે. જે પછી નગરપાલિકાને સુપર સીડ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે રજૂ કરેલા રિપોર્ટમાં આ પ્રાથમિક માહિતી સામે આવી છે. મહત્વનની વાત એ છે કે આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણ રિપોર્ટ કોર્ટમાં મુકવાની ખાતરી આપવામાં આવી છે.
મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે ૩૦ ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન ૪ નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત ૫ દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો.
મહત્વનું છે કે મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ પૂર્વે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના ૮૮ દિવસ બાદ ઓરેવા ગ્રુપના સ્ડ્ઢ જયસુખ પર કાયદાનો સકંજો ક્સાયો હતો.૧૩૫ લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું.મોરબી પોલીસે આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.અત્યાર સુધી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં કુલ ૯ લોકોને આરોપી બનાવાયા હતા.