મોરબી, મોરબીમાં નકલી ટોલનાકું ઊભું કરી કરોડો રૂપિયા ખંખેરવાના કેસમાં પોલીસ ફરિયાદના ૧૦ દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ મોરબીમાં નકલી ટોલનાકા મામલે પાટીદાર આગેવાન જેરામભાઈના દીકરા અમરશી પટેલ સહિત રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્ર ઝાલા, યુવરાજસિંહ ઝાલા સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આમ છતાં હજી સુધી આરોપીઓ નહીં પકડાતાં અનેક સવાલો ઊભા થયા છે.
વાંકાનેરનાં બોગસ ટોલનાકા મામલે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. વઘાસીયા ટોલનાકા કર્મીએ ફરિયાદ ન કરતા પોલીસ ફરિયાદી બની હતી. આ મામલે સિટી પોલીસે ફરિયાદ નોંધી અમરશી પટેલ, રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્ર ઝાલા, યુવરાજસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હજી સુધી આરોપી પોલીસ પકડથી દૂર છે.
રાજ્યમાં નકલી કચેરી બાદ મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકુ સામે આવ્યું છે. નકલી ટોલનાકુ ચાલતું હોવાના આક્ષેપ સાથે એક વીડિયો વાયરલ થયો છે. દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ચાલતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકુ ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. નકલી ટોલનાકુ ઉભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. એનએચએઆઈના ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકુ ધમધમતું જોવા મળ્યું છે. ટોલ પ્લાઝા પાસે ટોલનાકુ બાયપાસ કરીને વાહનોને પસાર કરવામાં આવે છે. ફોર વ્હીલના ૫૦, નાના ટ્રકના ૧૦૦, મોટા ટ્રકના ૨૦૦ રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે એનએચએઆઈના ટોલનાકા દ્વારા કારના ૧૧૦, નાના ટ્રકના ૧૮૦, બસના ૪૧૦, મોટા ટ્રકના ૫૯૫ અને હેવી ટ્રકના ૭૨૦ લેવામાં આવતા હોવાથી વાહનચાલકો ગેરકાયદે બનાવેલા ટોલનાકામાંથી પસાર થાય છે.આ અહેવાલ બાદ પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી.
મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા માટે ખુલાસો થવા પામ્યો છે. જેમાં આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. પાટીદાર અગ્રણી જેરામ પટેલનાં દીકરા અમરશી પટેલનાં નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ફરિયાદમાં અમરશી પટેલ સહિત ૫ લોકોનાં નામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસીયા ગામનાં સરપંચ ધર્મેન્દ્ર ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ ઝાલાના નામે પણ ફરિયાદ નોંધાઈ છે.
મહત્વનું છે કે, મોરબી ખાતેનાં ગેરકાયદે ટોલનાકા મામલે અગાઉ સરકારનાં પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ટોલનાકા મામલે અહેવાલ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમત ગેરકાયદે ટોલનાકામાં કોઈને છોડવામાં નહી આવે. જોકે હજી સુધી આ કેસમાં પોલીસ ફરિયાદ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે.