
મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં તસ્કરોએ રાત્રિના ધામા નાખ્યા હતા અને ત્યાં પૂર્વ સરપંચ સહિત ત્રણ વ્યક્તિઓના મકાનને નિશાન બનાવ્યા હતા તો બે મકાનમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળ થયા હતા પરંતુ તસ્કરોએ પૂર્વ સરપંચના મકાનને નિશાન બનાવીને ઘરમાં રાખેલ કબાટ અને સેફટીના માલ સમાનને વેરવિખેર કરી નાખીને ઘરમાંથી રોકડા રૂપિયા ૬ લાખ તથા ૨૮ તોલા સોનાના દાગીના આમ કુલ મળીને અંદાજે ૨૫ લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી તાલુકા પોલીસ તેમજ એલસીબી સહિતની ટીમ દોડતી થઈ ગયેલ છે.
રાત્રી દરમિયાન કરવામાં આવેલ આ લાખો રૂપિયાના મુદામાલની ચોરીના ગુનામાં ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવા માટે અને ચોરી કરીને નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગની મોટી મોટી વાતો કરવામાં આવે છે તેવામાં જો વાત કરીએ તો મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં આજે રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામના પૂર્વ સરપંચના મકાન સહિત કુલ મળીને ત્રણ મકાનોને આ તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા.
જેમાં તકરોએ પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઇ કાવઠીયા, મગનભાઈ શેરસિયા અને હરેશ નરભેરામભાઈ સાણજા મકાનને નિશાન બનાવ્યા હતા અને વધુમાં ગ્રામજનો પાસેથી મળતી વિગત પ્રમાણે હરેશ નરભેરામભાઈના મકાનમાં બારી તોડતા હતા તસ્કરો ત્યારે અવાજ આવવાના કારણે લોકો જાગી જતા તે અંધારાનો લાભ લઈને નાસી છુટ્યા હતા જોકે મગનભાઈ શેરસિયાના ઘરમાં બારીની ગ્રીલ તોડીને પ્રવેશ કરીને ૩૦૦ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી અને કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયાના મકાનને નિશાન બનાવીને તેના ઘરમાંથી રોકડા રૂપિયા ૬ લાખ તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
બીજી બાજુ ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલેખનીય છે કે, પૂર્વ સરપંચના ઘરમાં ચોરી કરવામાં આવી હતી ત્યારે પૂર્વ સરપંચ અને તેના પત્ની બહારના ભાગે ઘરમાં ફળિયામાં સૂતા હતા અને તેના બે દીકરા ગાશી ઉપર સૂતા હતા તેઓને સૂતા રાખીને તસ્કરો ઘરમાં આવીને ૨૫ લાખથી વધુની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમ લઈને નાસી ગયેલ છે તેને પકડવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે.