મોરબી,ગુજરાતમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોતના સિલસિલા યથાવત છે. ત્યારે આજે મોરબી જિલ્લામાં ક્રિકેટની પ્રેક્ટિસ દરમ્યાન હાર્ટએટેકથી વધુ એકનું મોત નિપજ્યું છે. હળવદના ગ્રામ સેવક અશોક ભલજીભાઈ કંઝારીયા (ઉંમર ૩૨ વર્ષ) નું ક્રિક્રેટ દરમિયાન હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ક્રિકેટની પ્રેક્ટિસ પૂર્ણ કરી ગ્રુપ મીટિંગ કરતાં યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું.
મૃતક યુવક અશોક કણઝારીયા જીલ્લા પંચાયત હસ્તકના કર્મચારી હતા. ક્રિકેટની પ્રેક્ટિસ પૂર્ણ કરી ગ્રુપ મીટીંગ હતી ત્યારે તબિયત બગડી હતી, જે બાદ સાથી કર્મચારીઓ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. અશોકભાઈને બીપી બીમારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ ઘટના બાદ સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ હાલ મુલત્વી રાખવામાં આવી છે. તા.૨૬/૦૩ થી રમાનાર ટુર્નામેન્ટ કર્મચારીઓના જાહેર હિતાર્થે મુલત્વી રાખવામા આવી છે. આ ટુર્નામેન્ટ હવે સંભવિત આગામી તા.૧૦/૦૪ થી તા.૧૫/૦૪ દરમ્યાન યોજાશે તેવી જાહેરાત કરાઈ.
યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થયો છે. જેમાં રાજ્યભરમાં રાજકોટમાં સૌથી વધુ યુવાનનું ક્રિકેટ રમતા એટેક આવવાના લીધે મૃત્યુ નીપજ્યું છે. છેલ્લા ૪૦ દિવસમાં રાજકોટમાં કુલ સાત જેટલા યુવાનોના હૃદય બેસી જવાના કારણે મોત થયાનું સામે આવ્યું છે. આ પહેલા પાંચ યુવાનો ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવવાથી મોતને ભેટ્યા હતા. તો એક યુવાન ફૂટબોલની રમત રમતા મોતને ભેટ્યો હતો. બે દિવસ પહેલા એક યુવાન ઘરે કુદરતી હાજતે ગયેલો ત્યારે હૃદય બેસી જવાથી તેનું બાથરૂમમાં જ મોત થયાનું સામે આવ્યું હતું. આમ ૨૪ થી ૪૫ વર્ષની વયના છ યુવાનોએ હૃદય રોગના કારણે જીવ ગુમાવ્યો છે જે ચિંતાનો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૫થી ૭ વર્ષમાં યુવાઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ વિશે તબીબોનુ કહેવુ છે કે, કોરોના પછી આવા કિસ્સાઓ વધ્યા છે. છેલ્લા ૧૦ દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે. આ સીઝનની ઠંડી કેટલાક વર્ષો પછી અનુભવી છે. તેથી વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ જ કોલેજ કે સ્કૂલમાં જવું જોઈએ. જો વિદ્યાર્થીઓને તાવ, શરદી હોય તો સ્પોર્ટસ એક્ટિવિટી ન કરવી જોઈએ. હાલમાં શરદીના કારણે ઘણા લોકોને દમ થાય છે. તેથી સ્ટ્રેસફુલ એક્ટિવિટીથી પણ દૂર રહેવુ જોઈએ.