મોરબીમાં સસ્તામાં આઇફોન, ફલેટ અને કાર આપવાનું કહીને ૭૮ લાખની ઠગાઇ

મોરબી, માળીયા મીયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે રહેતા આધેડની દીકરી અને દીકરાના સંપર્કમાં આવ્યા બાદ તેને સસ્તામાં આઈફોન, ફ્લોરા -૧૧ માં સસ્તામાં ફ્લેટ , સસ્તામાં ક્રેટા ગાડી તેમજ એપલ કંપનીમાં નોકરી અપાવવાનું કહીને ૭૮ લાખની છેતરપિંડી કરવામાં આવી છે આટલું જ નહીં પરંતુ ઈન્ક્મટેક્સ ના સિક્કા વાળી ખોટી નોટિસ બનાવીને ખોટા દસ્તાવેજ બનાવીને તે વ્હોટ્સએપમાં મોકલાવીને કુલ મળીને ૭૮.૬૧ લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે જેથી કરીને ભોગ બનેલા આધેડે રાજકોટના ભેજાબાજ શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

વર્તમાન સમયમાં છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે તેમ છતાં પણ તેમાંથી લોકો કોઈ બોધપાઠ ન લેતા હોય તેવો ઘાટ હાલમાં મોરબીમાં જોવા મળી રહ્યો છે મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે રહેતા મનસુખભાઈ છગનભાઈ કાવર પટેલ (૫૪)એ હાલમાં મોરબી સીટી એ ડમિશન પોલીસ સ્ટેશન ખાતે હર્ષ દિનેશભાઈ દવે ઉ.વ.૨૭ રહે. બેડીનાકા પાસે સોની બજાર કરસનજી મુલચંદજી વાળી શેરી રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની દીકરી અંક્તિા રાજકોટથી સરકારી બસમાં બેસીને મોરબી આવતી હતી ત્યારે તેના પરિચયમાં આરોપી આવ્યો હતો અને ત્યારે આરોપી હર્ષ દિનેશભાઈ દવેએ તેની દીકરી અને તેના દીકરા આશિષભાઈનો વિશ્વાસ કેળવીને તેઓને સસ્તામાં આઇફોન, આશિષને એપલ કંપનીમાં નોકરી અપાવી દેવાનું કહ્યું હતું તેમજ મોરબીના રવાપર નજીક ઘુનડા રોડ ઉપર આવેલ ફ્લોરા -૧૧ માં સસ્તામાં ફ્લેટ દેવાનું કહ્યું હતું અને ૬૩ લાખની કિંમતનો ફ્લેટ છે જોકે તમારા તરફથી ૪૮ લાખ રૂપિયા ટ્રાન્સફર થયેલ છે તેનો આરબીઆઈ ખુલાસો પૂછે છે તેની પતાવટ કરવી પડશે તેવું બહાનું કર્યું હતું.ત્યારબાદ ફરિયાદી અને સાહેદો સાથે છેતરપિંડી કરવાના આશયથી આરોપીએ ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટનો કોમ્પ્યુટર પર એડિટિંગ કરી ઈન્ક્મટેક્સ વિભાગના સિક્કા વાળી ખોટી નોટિસ બનાવી હતી અને ખોટા દસ્તાવેજ બનાવીને ફરિયાદીને વ્હોટ્સએપમાં મોકલ્યા હતા તે નોટિસ ફાઈલે કરવા વહીવટ કરવો પડશે તેવું બહાનું કર્યું હતું અને આરબીઆઈના અધિકારીએ તેને પકડી લીધેલ છે તેની પતાવટ માટે રૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતી. આટલું જ નહીં ક્રેટા ગાડીના ફોટો ફરિયાદીના વ્હોટ્સએપમાં મોકલીને કાર સસ્તામાં દેવાની લાલચ આપી હતી આમ જુદાજુદા બહાના કરીને કુલ મળીને ભોગ બનેલ આધેડ પાસેથી ૭૮.૬૧ લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપી હર્ષ દવેની ધરપકડ કરી છે.