મોરબીના માળિયા મિયાણા સ્થિત દેવગઢ ગામે પોલીસે ઘરમાં દારૂની રેડ કરી હતી, જેમાં ઘરની અંદર નકલી દારૂની મિની ફેક્ટરી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે દારૂ ભરેલી બોટલો, ખાલી બોટલો, અલગ અલગ કંપનીનાં ડુપ્લિકેટ સ્ટિકર અને ઢાંકણાં તેમજ બનાવટી દારૂનું ૪૫૦ લિટર પ્રવાહી જપ્ત કરીને બે આરોપીને પકડ્યા છે. અગાઉ પકડાયેલા તેમજ પકડવાના બાકી હોય એવા બૂટલેગરોનાં નામ પણ આ ગોરખધંધામાં સામે આવ્યાં છે, જેથી પોલીસે કુલ મળીને આઠ શખસની સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી જિલ્લામાં નશીલા પદાર્થનું વેચાણ બેફામ રીતે કરવામાં આવી રહ્યું છે. ત્યારે નશાના બંધાણીઓ દ્વારા અસલી છે કે નકલી એ જોયા વગર દારૂ સહિતના નશા માટે જે વસ્તુ હાથમાં આવે એ પી લેતા હોય છે. એવામાં થોડા સમય પહેલાં મોરબી એલસીબીની ટીમે રફાળેશ્ર્વર ગામે આવેલા કારખાનાંમાં રેડ કરીને નકલી દારૂની ફેક્ટરી પકડી હતી. ત્યાર બાદ મોરબી જિલ્લામાં એસએમસી દ્વારા રેડ કરીને દારૂનું લાલપર પાસેથી ગોડાઉન પકડવામાં આવ્યું હતું અને હાલમાં મોરબી એલસીબીની ટીમે મોરબી જિલ્લામાંથી વધુ એક નકલી દારૂની મિની ફેક્ટરી પકડી છે.
હાલમાં માળિયા મિયાણા તાલુકાના દેવગઢ ગામે જયરાજ જીવણભાઈ સવસેટા અને જયદીપ જીવણભાઈ સવસેટાના રહેણાક મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી, જેના આધારે ત્યાં એલસીબીની ટીમે ત્યાં દારૂની રેડ કરી હતી. ત્યારે ઘરમાંથી મેકડોવેલ્સ દારૂની ૧૨ બોટલ, બ્લેક એન્ડ વ્હાઈટ વ્હિસ્કીની ૪ બોટલ અને તૈયાર બનાવટી ઈંગ્લિશ દારૂની ૪૫૦ લિટર પ્રવાહી, દારૂની ખાલી બોટલો, અલગ અલગ કંપનીનાં ડુપ્લિકેટ સ્ટિકર અને ઢાંકણાં વગેરે મળી ૨,૭૯,૭૦૫નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસે સ્થળ પરથી જયરાજ જીવણભાઈ સવસેટા અને જયદીપ જીવણભાઈ સવસેટા (રહે. બંને દેવગઢ વાળા)ની ધરપકડ કરી છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ ગોરખધંધામાં કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડિયા, અલ્તાફ ઉર્ફે રાજા સોક્ત ખોડ, ચિરાગ ઉર્ફે લક્કીસિંહ દરબાર, સાજિદ ઉર્ફે સાજ્લો લાધાણી અને લાલો સતવારા (રહે. બધા મોરબીવાળા)ના નામ સામે આવ્યાં છે, જેથી પોલીસે બધાની સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.
અત્રે ઉલેખનીય છે કે રણછોડનગરમાં આવી જ રીતે સસ્તા ઇંગ્લિશ દારૂની બોટલોમાંથી બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની બોટલો બનાવી વેચવાનું કારસ્તાન અગાઉ ઝડપાયું હતું અને એ ગુનામાં મુખ્ય આરોપીને પકડવાનો બાકી છે, જોકે બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો આપનારા કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડિયાને પોલીસે પકડ્યો હતો, જેની પૂછપરછમાંથી આ નકલી દારૂની મિની ફેક્ટરીની કડી સામે આવી હોવાનું પોલીસસૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.