મોરબી,
મોરબીમાં થયેલ પુલ દૂર્ઘટનાને લઈને વિશેષ તપાસ સમિતિ (એસઆઇટી)એ પોતાનો પ્રારંભિક રિપોર્ટ દાખલ કર્યો છે. આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મોરબીમાં જે દિવસે પુલ તૂટ્યો એ પહેલા જ પુલ સાથે બાંધવામાં આવેલ ૨૨ તાર તૂટી ચૂક્યા હતા. એસઆઈટીએ પોતાની તપાસમાં એ પણ જોયુ કે પુલના નવીનીકરણ કાર્ય દરમિયાન સસ્પેંડર્સને નવા સસ્પેંડર્સ સાથે વેલ્ડ કરી દેવામાં આવી હતી. જેની અસર સસ્પેંડર્સ પર પડી હતી. આ પ્રકારના પુલોમાં ભાર વહન કરવા માટે સિંગલ રૉડ સસ્પેંડર્સ હોવા જોઈએ.
એસઆઈટીની પ્રારંભિક તપાસ મુજબ કેબલ પર લગભગ અડધા તારો પર કાટ લાગવો અને જૂના સસ્પેન્ડર્સને નવા સાથે વેલ્ડિંગ કરવા એ મુખ્ય ખામીઓમાં સામેલ હતા જેના કારણે દૂર્ઘટના બની હતી. તમને જણાવી દઈએ કે આ દૂર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત નીપજ્યા હતા. મચ્છુ નદી પર બ્રિટિશ કાળના પુલના સંચાલન અને જાળવણી માટે અજંતા મેન્યુફેક્ચરીંગ લિમિટેડ(ઓરેવા ગ્રુપ) જવાબદાર હતુ. એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં પુલનુ સમારકામ, જાળવણી અને સંચાલનમાં ઘણી ખામીઓ પણ જોઈ. નોંધનીય છે કે આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ, આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી, રાજ્ય માર્ગ તેમજ ભવન વિભાગના એક સચિવ તેમજ મુખ્ય વકીલ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના એક પ્રોફેસર એસઆઈટીના સભ્ય છે.
એસઆઈટીના રિપોર્ટ મુજબ ૧૮૮૭માં તત્કાલિન શાસકો દ્વારા બાંધવામાં આવેલા મચ્છુ નદી પરના પુલના બે મુખ્ય કેબલમાંથી એકમાં કાટ લાગવાની સમસ્યા હતી અને ૩૦ ઓક્ટોબરની સાંજે તે કેબલ તૂટતા પહેલા જ તેના લગભગ અડધા તાર તૂટી ગયા હોઈ શકે છે. એસઆઈટીના જણાવ્યા મુજબ નદીનો મુખ્ય કેબલ તૂટી ગયો હતો, જેના કારણે આ દૂર્ઘટના બની હતી.
તમને જણાવી દઈએ કે મોરબી નગરપાલિકાએ જનરલ બોર્ડની મંજુરી વગર જ બ્રિજની જાળવણી અને સંચાલનનો કૉન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપ (અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ)ને આપ્યો હતો. તેણે માર્ચ ૨૦૨૨માં પુલને નવીનીકરણ માટે બંધ કરી દીધો હતો અને ૨૬ ઓક્ટોબરે તેને કોઈપણ નિરીક્ષણ વિના ફરીથી ખોલ્યો હતો. એસઆઈટીના જણાવ્યા મુજબ પુલ તૂટ્યો એ વખતે તેના પર લગભગ ૩૦૦ લોકો હતા, જે સંખ્યા પુલની લોડ વહન ક્ષમતા કરતા ’ઘણી વધારે’ હતી. જો કે બ્રિજની વાસ્તવિક ક્ષમતાની પુષ્ટિ લેબોરેટરી રિપોર્ટ દ્વારા કરવામાં આવશે.