
જૂનાગઢ, ગુજરાતમાં હવે એવી સ્થિતિ છે કે શું અસલી અને શું નકલી એ સમજાતુ નથી. પરંતુ અસલી અને નકલીના ભેદ વચ્ચે ગુજરાતની જનતા પીસાઈ રહી છે. તાજેતરમાં જ મોરબીમાં આખેઆખું ટોલનાકુ નકલી પકડાયું હતું. જેના પરથી કરોડોનો ટોલ વસૂલાયો હોવાનો પણ ખુલાસો થયો હતો. ત્યારે હવે મોરબી બાદ ગુજરાતના વધુ એક જિલ્લામાંથી નકલી ટોલનાકું પકડાયું છે. જુનાગઢમાં વાહનોને ડાયવર્ટ કરી પૈસા ઉઘરાવાતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.
જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકે પણ અસામાજિક તત્વો દ્વારા ટોલનાકા નજીકથી વાહનોને ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણું કરાતું હોવાનો ટોલનાકાના મેનેજર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આ મામલે ગાદોઈ ગામના મહિલા સરપંચના પતિ કહી રહ્યા છે કે, ગામના રસ્તેથી વાહનચાલકોને પસાર થતા તેઓ રોકી શકે નહીં. આ બાબતે ટોલનાકાના મેનેજમેન્ટ દ્વારા ભૂતકાળમાં પણ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
વંથલી તાલુકાના કણજા ગામ પાસે આવેલ ગોદાઈ ટોલનાકા મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અહી રસ્તો ડાયવર્ટ કરીને રૂપિયા ઉઘરાવાઈ હોવાના આક્ષેપો થયા છે. ત્યારે આ મુદ્દે જુનાગઢના જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, ટોલનાકા મુદ્દે એસપી હર્ષદ મહેતા તપાસ કરી રહ્યાં છે. પ્રાથમિક જરૂરી વિગતો મેળવ્યા બાદ જ રિપોર્ટમાં સાચી માહિતી સામે આવશે.